પુતિનના ભારત પ્રવાસ પૂર્વે વિદેશ પ્રધાન એસ. જયશંકર રશિયા જશે

નવી દિલ્હી : અમેરિકા સાથે ભારતના વધી રહેલા ટેરિફ સંકટ વચ્ચે ભારતના મિત્ર રાષ્ટ્ર સાથે સંબંધો વધુ સુધરી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત પૂર્વે હવે વિદેશ પ્રધાન પહેલા રશિયાના મુલાકાતે જશે, જેમના પૂર્વે અજીત ડોભાલ પણ મોસ્કોની મુલાકાત લીધી છે. ઓગસ્ટ મહિનો વૈશ્વિક ગતિવિધિઓ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે 15મી ઓગસ્ટના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અમેરિકાની મુલાકાતે જવાના છે. ઓગસ્ટ મહિનાના અંતમાં વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે પણ આવવાના છે. જેને લઈને ભારતના વિદેશ મંત્રાલય તરફથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ તૈયારીના ભાગરૂપે વિદેશ પ્રધાન એસ. જયશંકર રશિયાના પ્રવાસે જવાના છે.
આપણ વાંચો: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા, જણાવી આ વાત
એસ. જયશંકર રશિયા ક્યારે જશે?
ભારતના વિદેશ પ્રધાન રશિયાના પ્રવાસે જવાના છે. જેની જાણકારી રશિયાના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. રશિયાના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે.
રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, “21 ઓગસ્ટના રોજ રશિયાના વિદેશ પ્રધાન સર્ગેય લાવરોવ મોસ્કો ખાતે ભારતના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર સાથે વાટાઘાટો કરશે. જેમાં દ્વિપક્ષીય એજન્ડાના મુખ્ય મુદ્દાઓની સાથોસાથ આંતરરાષ્ટ્રીય માળખાઓ વચ્ચે સહકારના પ્રમુખ પાસોઓ અંગે ચર્ચા પણ કરવામાં આવશે.”
આપણ વાંચો: વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું, કાન ખોલીને સાંભળો પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે નથી થઈ વાત
અજીત ડોભાલે પણ કર્યો રશિયાનો પ્રવાસ
ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટ 2025ના રોજ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રશિયા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ક્રેમલિન ખાતે પહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ત્યારબાદ રશિયાના પ્રથમ ઉપ વડા પ્રધાન ડેનિસ મન્તુરોવ સાથે દ્વીપક્ષીય બેઠક કરી હતી.
રશિયા સ્થિત ભારતીય દૂતાવાસના જણાવ્યાનુસાર, ડોભાલ અને મન્તુરોવની બેઠક દરમિયાન ભારત-રશિયા વચ્ચે સહકાર સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે ચર્ચા થઈ છે. સાથોસાથ નાગરિક વિમાન ઉત્પાદન, ધાતુ ઉદ્યોગ અને રાસાયણિક ઉદ્યોગ જેવા અન્ય વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સંયુક્ત પ્રોજેક્ટ્સના અમલીકરણ પર પણ વાતચીત થઈ છે.