પાકિસ્તાન સાથે માત્ર PoK નો મુદ્દો જ ઉકેલવાનો બાકી છે, યુએનમાં જયશંકરની સાફ વાત…
વિદેશ પ્રધાન એસ. જયશંકરે શનિવારે કહ્યું હતું કે હવે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ને ખાલી કરવાનો મુદ્દો પાકિસ્તાન સાથે ઉકેલવો પડશે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની સરહદ પારની આતંકવાદની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેના પગલાંના “ચોક્કસ પરિણામો” આવશે. વિદેશ પ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે તે (પાકિસ્તાનનું) “કર્મ” છે કે તેની બુરાઇઓ હવે તેના પોતાના સમાજને ગળી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ના 79મા સત્રને સંબોધતા જયશંકરે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે માત્ર એક જ મુદ્દો ઉકેલવાનો બાકી છે કે પાકિસ્તાન ગેરકાયદેસર રીતે કબજે કરેલું ભારતીય ક્ષેત્ર ખાલી કરે અને આતંકવાદ સાથેના લાંબા ગાળાના જોડાણને સમાપ્ત કરે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઘણા દેશો તેમના નિયંત્રણની બહારના સંજોગોને કારણે પાછળ રહી ગયા છે, પરંતુ કેટલાક દેશો જાણીજોઈને એવા નિર્ણયો લે છે જેના વિનાશક પરિણામો આવે છે. આનું સૌથી મોટું ઉદાહરણ આપણો પાડોશી દેશ પાકિસ્તાન છે.
વિદેશ પ્રધાને એમ કહ્યું હતું કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે તેણે બીજા દેશે પર જે મુસીબતો લાવવાની કોશિશ કરી છે તે તેના જ સમાજને ગળી રહી છે. હવે તે દુનિયાને દોષ આપી શકે તેમ નથી. આ તેનું જ કર્મ છે જે તેણે ભોગવવાનું છે.
પાકિસ્તાનની સરહદ પારની આતંકવાદની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેને ક્યારેય કોઈપણ પ્રકારની માફી આપી શકાય જ નહીં.
જયશંકરે ચીનને પણ લતાડતા કહ્યું હતું કે અવ્યવહારુ પ્રોજેક્ટ્સ દેવાના સ્તરમાં વધારો કરે છે અને કોઈપણ જોડાણ કે જે દેશના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને જોખમમાં મૂકે છે. એમાં તેમણે સ્પષ્ટ રીતે ચીનના અબજ ડોલરના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવ (BRI)નો સંદર્ભ આપ્યો હતો.
જયશંકરે એમ પણ કહ્યું હતું કે, “જો આપણે વૈશ્વિક સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવી હોય, તો તે મહત્વનું છે કે જે દેશો નેતૃત્વ કરવા માંગે છે તેઓ યોગ્ય ઉદાહરણ બેસાડે.