કર્ણાટકની ગુફામાં બે દીકરીઓ સાથે રહેતી હતી રશિયન મહિલા, આધ્યાત્મિક શોધમાં ભારત આવી હોવાનો દાવો

ઉત્તર કન્નડ, કર્ણાટકઃ કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના ગોકર્ણમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક રશિયન મહિલા તેની બે નાની દીકરીઓ સાથે જંગલની વચ્ચે એક ગુફામાંથી મળી આવી હતી. પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગોકર્ણ પોલીસને એક ગુફામાંથી આ ત્રણેય મળી આવ્યા હતાં. મહિલાનું નામ નીના કુટીના ઉર્ફે મોહી છે. જ્યારે મહિલાએ એવા દાવો પણ કર્યો છે કે, તે આધ્યાત્મિક શાંતિની શોધમાં ભારત આવી હતી અને છેલ્લા બે અઠવાડિયાથી તે તેની દીકરીઓ સાથે ગોકર્ણમાં રામતીર્થ ટેકરીની ટોચ પર એક દુર્ગમ અને ખતરનાક ગુફામાં રહી રહી હતી. તે ભારતમાં આધ્યાત્મના શોધમાં આવી છે અને અહીં જ રહેવામાં માંગે છે.
આધ્યાત્મની શોધમાં આવેલી મહિલાને ભારતમાં જ રહેવું છે
ગોકર્ણ પોલીસ 9મી જુલાઈએ સાંજે 5:00 વાગ્યે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જંગલમાં શોધખોળ કરતી વખતે પોલીસને ખતરનાક, ભૂસ્ખલન-સંભવિત વિસ્તારમાં સ્થિત એક ગુફા પાસે ગતિવિધિઓ જોવા મળી હતી. જેથી પોલીસે ત્યાં જઈને તપાસ કરી ત્યારે એક રશિયાન મહિલા તેની બે પુત્રીઓ પ્રેમા અને અમા સાથે ગુફાની અંદર રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાનું કહેવું છે તે શહેરની જિંદગીથી કંટાળી જઈ છ અને હવા તે ધ્યાન અને પ્રાર્થનામાં લીન થવા માટે જંગલમાં રહેવાનું પસંદ કરે છે.
વિદેશી મહિલાને અત્યારે એક આશ્રમમાં મોકલવામાં આવી
પોલીસનું કહેવું એવું છે કે, આ મહિલાનો હેતુ આધ્યાત્મિક હતો, પરંતુ આવા વાતાવરણમાં બાળકોની સલામતી અંગે ખૂબ જ ચિંતા થઈ રહી છે. રામતીર્થ ટેકરી જ્યાં ગુફા આવેલી છે ત્યાં જુલાઈ 2024 માં મોટો ભૂસ્ખલન થયો હતો અને તે ઝેરી સાપ સહિત ખતરનાક વન્યજીવનનું ઘર છે, જેના કારણે તે એક ખતરનાક સ્થળ બની ગયું છે. જેથી આવા વિસ્તારમાં કોઈને એકલા રહેવા દેવાય નહીં. જો કે, મહિલાએ વિનંતી કરી ત્યારે તેને કુમતા તાલુકાના બાંકીકોડલા ગામમાં 80 વર્ષીય સાધ્વી સ્વામી યોગરત્ન સરસ્વતી દ્વારા સંચાલિત આશ્રમમાં મોકલવામાં આવી છે.
આપણ વાંચો: દિલ્હીમાં લક્ઝરી કારનો આતંક; ઓડી ચાલકે ફૂટપાથ પર સુઈ રહેલા 5 શ્રમિકોને કચડ્યા…
મહિલાની 2017 સુધી માન્ય બિઝનેસ વિઝા પર ભારત આવી હતી
ગોકર્ણ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ શોધ કરીને મહિલાના પાસપોર્ટ અને વિઝા દસ્તાવેજો શોધી કાઢ્યાં હતાં. તપાસમાં જાણવા મળ્યું છે કે નીના મૂળ 17 એપ્રિલ, 2017 સુધી માન્ય બિઝનેસ વિઝા પર ભારત આવી હતી. 19 એપ્રિલ, 2018 ના રોજ FRRO પણજી, ગોવા દ્વારા એક્ઝિટ પરમિટ જારી કરવામાં આવી હતી. ત્યાર બાદ તે નેપાળ ગઈ અને ફરી 8મી સપ્ટેમ્બર, 2018 ના રોજ ભારતમાં પાછી આવી હતી. આ વિઝા ઉલ્લંઘનને ધ્યાનમાં લેતા, મહિલા અને તેની પુત્રીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત કારવાર સ્થિત મહિલા સ્વાગત કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમને હાલમાં રક્ષણાત્મક કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. બાદમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.