નેશનલ

રશિયન રાષ્ટ્રપતિ પુતિન આ તારીખે ભારતની મુલાકાતે આવશે, USના દબાણ વચ્ચે મહત્વની જાહેરાત

નવી દિલ્હી: ઘણા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવતા ભારતના વિદેશ મંત્રાલયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતની પુષ્ટિ કરી છે. અહેવાલો અનુસાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર પુતિન 4-5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે. રશિયા સાથે વેપાર ના કરવા યુએસના વધી રહેલા દબાણ વચ્ચે પુતિનની ભારત મુલાકાત મહત્વની રહેશે.

ભારતના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત અને રશિયા વચ્ચેના 23મા વાર્ષિક શિખર સંમેલન(Annual Summit)માં ભાગ લેવા 4-5 ડિસેમ્બર 2025 દરમિયાન ભારતની મુલાકાતે આવશે. પુતિન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વની બેઠક કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રશિયન રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે અને તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ પુતિન આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સાથે બેઠક કરશે.

બંને દેશોના સંબંધો મજબુત બનાવવા પ્રયાસ:

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પુતિનની સત્તાવર ભારત મુલાકાતથી બંને દેશોના નેતાઓને દ્વિપક્ષીય સંબંધો આગળ વધારવાની, વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે વિઝન નક્કી કરવાની અને પરસ્પર હિતને લગતા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક મળશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છેલ્લે વર્ષ 2021માં ભારતની મુલાકાતે આવ્યા હતાં. વડાપ્રધાન મોદી ગયા વર્ષે જુલાઈમાં વાર્ષિક સમિટ માટે રશિયા ગયા હતાં.

યુએસના દબાણ વચ્ચે મહત્વની બેઠક:

નોંધનીય છે કે ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો શરુ કર્યો, ત્યાર બાદથી ભારતે રશિયા પાસેથી પેટ્રોલીયમની ખરીદી વધારી હતી. પરંતુ આ વર્ષે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર બદલ ભારત વધારાનો ટેરીફ લડ્યો. યુએસએ રશિયન ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધો પણ લાદ્યા છે. એવામાં પુતિનની ભારતની મુલાકાત મહત્વની રહેશે.

આ પણ વાંચો…જો શાંતિ ન સ્થપાઈ તો…ડૉનાલ્ડ ટ્રમ્પની ‘શાંતિ યોજના’ને લઈને પુતિને કરી મહત્ત્વની વાત…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button