રશિયન તેલ પર EU પ્રતિબંધ: ભારતની 15 અબજ ડોલરની ઇંધણ નિકાસ પર જોખમ | મુંબઈ સમાચાર
નેશનલ

રશિયન તેલ પર EU પ્રતિબંધ: ભારતની 15 અબજ ડોલરની ઇંધણ નિકાસ પર જોખમ

નવી દિલ્હીઃ યુરોપિયન સંઘ(ઇયુ) દ્વારા રશિયન ક્રૂડ ઓઇલમાંથી બનેલા ઇંધણની આયાત પર પ્રતિબંધ મૂકાતા ભારતના 15 અબજ અમેરિકન ડોલરની ઇંધણ નિકાસને અસર થઇ શકે છે, એમ આર્થિક થિંક ટેન્ક જીટીઆરઆઇએ જણાવ્યું હતું.

૨૭ દેશોના યુરોપિયન સંઘ દ્વારા પ્રતિબંધોના ૧૮મા પેકેજમાં રશિયાના તેલ અને ઉર્જા ક્ષેત્રની આવક પર અંકુશ લાદવાના ઉદ્દેશ્યમાં અનેક પગલાંનો સમાવેશ થાય છે. જેમ કે રશિયન ક્રૂડ ઓઇલમાંથી બનેલા અને કોઇ ત્રીજા દેશમાંથી આવતી રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ(જીટીઆરઆઇ)ના જણાવ્યા અનુસાર આ પેકેજનું મુખ્ય ઘટક રશિયન ક્રૂડ ઓઇલમાંથી બનેલા અને ત્રીજા દેશોના માધ્યમથી નિકાસ કરવામાં આવતા રિફાઇન્ડ પેટ્રોલિયમ પેદાશોની આયાત પર પ્રતિબંધ છે. જેમાં માત્ર અમેરિકા, બ્રિટન, કેનેડા અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા કેટલાક પસંદગીના ભાગીદાર દેશોનો સમાવેશ થતો નથી.

આ પણ વાંચો: યુક્રેને યુરોપને આપ્યો ઝટકોઃ રશિયન ગેસની સપ્લાય બંધ કરતા ઊર્જા સંકટના એંધાણ

તેમાં જણાવાયું છે કે આ પગલાથી ભારત, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોને નુકશાન થશે. આ દેશો રશિયન ક્રૂડ ઓઇલનું શુદ્ધિકરણ કરી રહ્યા છે અને યુરોપને ડીઝલ, પેટ્રોલ અને જેટ ઇંધણ વેચી રહ્યા છે.

જીટીઆરઆઇના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું કે ભારતની યુરોપિયન સંઘને પાંચ અબજ અમેરિકન ડોલરની પેટ્રોલિયમ પેદાશોની નિકાસ જોખમમાં છે. યુરોપિયન સંઘના નવા પ્રતિબંધો અંતર્ગત ભારત જેવા ત્રીજા દેશો દ્વારા રશિયન ક્રૂડ ઓઇલમાંથી બનેલા રિફાઇન્ડ પેટ્રોલિયમ પેદાશોની આયાત પર પ્રતિબંધ છે.

આ પણ વાંચો: યુરોપિયન યુનિયને રશિયા પર લગાવ્યા પ્રતિબંધ, ગુજરાતની ઓઈલ રિફાનરીને બનાવી નિશાન

થિંક ટેન્ક અનુસાર ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૪માં યુરોપિયન સંઘને ૧૯.૨ બિલિયન એમરિકન ડોલરની પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કરી હતી. પરંતુ ૨૦૨૪-૨૫માં આ ૨૭.૧ ટકા ઘટીને ૧૫ બિલિયન ડોલર રહી હતી. તેમાં વધુમાં જણાવાયું છે કે ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૫માં રશિયા પાસેથી ૫૦.૩ અબજ ડોલરનું કાચું તેલ આયાત કર્યું હતું. જે તેના કુલ ૧૪૩.૧ અબજ ડોલરના ક્રૂડ ઓઇલ બિલના ત્રીજા ભાગ કરતાં પણ વધુ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button