RIC સંગઠન સક્રિય થશે? રશિયા-ચીનની પહેલ અને ભારતનું વલણ: વૈશ્વિક રાજનીતિ પર અસર…

નવી દિલ્હી/બીજિંગ/મોસ્કોઃ રશિયા, ઈન્ડિયા અને ચીનએ BRICSના સ્થાપક દેશો છે. આ સિવાય ભૂતકાળામાં ત્રણે દેશનું એક સંગઠન પણ હતું, જે અગાઉ RIC તરીકે ઓળખાતું હતું. 2002માં તેની પહેલી બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ ત્રણે દેશોની સમયાંતરે બેઠક યોજાતી હતી. 2019 બાદ સંગઠનની બેઠક બંધ થઈ ગઈ હતી, તેથી RIC સંગઠન નિષ્ક્રિય થઈ ગયું હતું. પરંતુ હવે RIC સંગઠન ફરી સક્રિય થાય તેવા એંધાણ મળી રહ્યા છે.
શું ફરી સક્રિય થશે RIC સંગઠન?
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સૌપ્રથમ રશિયા-ભારત-ચીન (RIC) સંગઠનને ફરીથી સક્રિય કરવા માટે પહેલ કરી હતી. આંતરરાષ્ટ્રીય મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રશિયાના નાયબ વિદેશ પ્રધાન આન્દ્રેઈ રુડેન્કોએ જણાવ્યું હતું કે, અમારી ઈચ્છા છે કે રશિયા-ભારત-ચીન (RIC) સંગઠન ફરીથી સક્રિય થાય. કારણ કે આ ત્રણેય દેશ BRICSના સ્થાપક સભ્યો છે અને મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ મુદ્દે મોસ્કો બેઇજિંગ અને નવી દિલ્હી સાથે વાતચીત કરી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને ચીને પણ પોતાને ટેકો આપ્યો છે.
રશિયાના પ્રસ્તાવને ચીનનું સમર્થન
રશિયાની પહેલ બાદ ચીને પણ RIC સંગઠનને સક્રિય કરવાની વાતને સમર્થન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ચીન ત્રિપક્ષીય સહયોગને આગળ વધારવાના સંદર્ભે રશિયા અને ભારત સાથે સંવાદ જાળવી રાખવા માટે તૈયાર છે. ચીન-રશિયા-ભારતનો સહયોગ માત્ર ત્રણ દેશોના હિતોની પૂર્તિ કરવાની સાથોસાથ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને પ્રગતિમાં પણ ફાળો આપે છે. “
RIC અંગે ભારતનું સ્ટેન્ડ શું છે?
જોકે, રશિયા અને ચીનની જેમ ભારત ઉતાવળ કરવા માંગતું નથી. રશિયા અને ચીનના પ્રસ્તાવ અંગે ભારતે કહ્યું છે કે આ સંગઠનને ફરીથી સક્રિય કરવાનો નિર્ણય “બધા પક્ષોના અનુકૂળ સમય અને સુવિધા” પર આધારિત હશે. જો આ ત્રણેય દેશો ફરી એકવાર ભેગા થશે તો તેની વૈશ્વિક સ્તરે મોટી અસર થશે. જેનાથી અમેરિકા અને નાટોની ચિંતા વધી શકે છે.
RIC સંગઠન અમેરિકા અને નાટો પર કરશે અસર
રશિયા અને ચીન સુપરપાવર દેશો છે. જેથી RIC સંગઠન સક્રિય થાય તો તે નાટો જેટલું શક્તિશાળી બની શકે છે. આ સંગઠન યુરેશિયન ખંડમાં એક સમાન સુરક્ષા અને સહયોગનું માળખું ઊભું કરી શકે છે, જે અમેરિકા જેવા પશ્ચિમી દેશોના દબાણના સમયમાં વ્યૂહાત્મક સંતુલન સ્થાપિત કરી શકે છે. તેથી અમેરિકા અને નાટો ઈચ્છશે નહી કે, આ ત્રણે દેશોનું સંગઠન ફરીથી સક્રિય થાય.
ભારતનું વલણ નિર્ણાયક સાબિત થશે
ભારતને વિશ્વના વિવિધ ખંડો વચ્ચેના સંબંધોને સંતુલિત કરતો એક વિશ્વસનીય દેશ માનવામાં આવે છે. તેથી જો તે રશિયા અને ચીન સાથે હાથ મિલાવશે તો વિશ્વના તમામ દેશો વિવાદો અને અન્ય વૈશ્વિક ઉકેલો માટે NATO અને અમેરિકાને બદલે RIC તરફ વળી શકે છે. જે અમેરિકાની સર્વોપરિતાને સંકટમાં લાવી મુકશે અને આ એક મોટું વૈશ્વિક પરિવર્તન સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રોના અનુમાન મુજબ અમેરિકા RIC સંગઠનના સક્રિય થવાના પરિણામો વિશે જાણ છે. આ કારણોસર અમેરિકાએ પહેલગામ આતંકી હુમલા માટે જવાબદાર TRFને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે, જેથી ભારત અમેરિકાની છાવણીમાંથી બહાર નીકળી જાય નહીં એની અટકળ કરી છે.