મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત વૈશ્ર્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં એક તબક્કે ત્રણ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાના નિર્દેશે ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસાના ઘટાડા સાથે ૮૪.૪૩ના મથાળે બંધ રહ્યો હતો.
ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર વૈશ્ર્વિક સ્તરે ખાસ કરીને યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ ઉગ્ર બને તેવી ચિંતા સપાટી પર આવતા રોકાણકારોની સોના, જાપાનીઝ યેન, સ્વિસ ફ્રાન્ક અને અમુક અંશે ડૉલર જેવી અસ્ક્યામતોમાં સલામતી માટેની લેવાલી રહેતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪.૪૨ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૪.૩૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૪૩ અને ઉપરમાં ૮૪.૩૯ની રેન્જમાં અથડાઈને અંતે સાધારણ એક પૈસાના ઘટાડા સાથે ૮૪.૪૩ના મથાળે બંધ રહ્યો હતો.
હાલમાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટી આસપાસ રહેતી હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો હાલની રેન્જમાં જ અથડાતો રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં બીએનપી પારિબાસના ફંડામેન્ટલ કૉમૉડિટીઝ ઍન્ડ કરન્સી વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ પ્રવીણ સિંઘે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળામાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ માટે ૪.૫૦ ટકાની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે.
દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૨૩૯.૩૭ પૉઈન્ટ અને ૬૪.૭૦ પૉઈન્ટ વધીને બંધ રહ્યા હતા.
Also Read – મથકો પર ખાંડના ભાવમાં ₹ ૫૦નો ઘટાડોઃ શું શેરડીના ટેકાના ભાવમાં થતો વિલંબ છે જવાબદાર
આ સિવાય વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪૨ ટકા ઘટીને બેરલદીઠ ૭૨.૯૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાને ટેકો મળ્યો હતો, પરંતુ ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૫ ટકા વધીને ૧૦૬.૩૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૪૦૩.૪૦ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો મળતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.