![Global gold bullish ahead of Fed meeting](/wp-content/uploads/2024/12/Gold-Silver-1-1-1-1-1.webp)
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આજે મોડી સાંજે અમેરિકાના જોબ ડેટાની થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદામાં સલામતી માટેની માગને ટેકે સુધારો આગળ ધપ્યો હતો. તેમ જ ચાંદીમાં પણ ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. જોકે, આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ પાંચ વર્ષના લાંબા સમયગાળા બાદ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકતાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં બાવીસ પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાની આયાત પડતરોમાં ઘટાડો થતાં વિશ્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 90થી 91નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવે કિલોદીઠ રૂ.380ના સુધારા સાથે ફરી રૂ. 95,000ની સપાટી અંકે કરી હતી.
Also read : Cyber Fraud રોકવા RBI નો મોટો નિર્ણય, બેંકો માટે શરૂ કરશે આ સુવિધા
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 380 વધીને રૂ. 95,142ના મથાળે રહ્યા હતા. જોકે, આજે મધ્યસત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં બાઉન્સબૅક જોવા મળ્યું હોવાથી વિશ્વ બજારથી વિપરીત 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 90 ઘટીને રૂ. 84,184 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 91 ઘટીને રૂ. 84,522ના મથાળે રહ્યા હતા.
જોકે, રાબેતા મુજબ આજે પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહી હતી.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે અમેરિકાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે સાવચેતીના અભિગમને કારણે ટ્રેડરોની લેવાલી પાંખી હતી, પરંતુ ટ્રેડ વૉરની ચિંતા વચ્ચે સોનામાં રોકાણકારોની લેવાલી જળવાઈ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 2864.11 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
Also read : હૃદયનાથ મંગેશકર સાથે શું થયું હતું, જેને લઇને પીએમ મોદીએ કૉંગ્રેસને ઘેરી
નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં બે ટકાનો સુધારો આવ્યો છે. વધુમાં આજે સત્રના આરંભે સોનાના વાયદામાં પણ ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને 2887.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.2 ટકા વધીને આૈંસદીઠ 32.26 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકાએ ચીનથી થતી આયાત સામે ટેરિફ લાદવાનાં નિર્ણય સામે ચીને ફરિયાદ કરી હોવાનું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે અને ટ્રેડ વૉર વધુ વકરે તેવી ભીતિ હેઠળ સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું હોવાનું સિંગાપોર સ્થિત ગોલ્ડસિલ્વર સેન્ટ્રલના મેનેજિંગ ડિર્ક્ટર બ્રિઆન લાને જણાવતા તેજી આગળ ધપે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. તે જ પ્રમાણે ગોલ્ડમેન સાશે પણ અમેરિકાની નીતિવિષયક અનિશ્ચિતતાને કારણે સોનામાં રોકાણકારોની હેજરૂપી માગને ટેકે સોનાના ભાવ આૈંસદીઠ 3000 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
અમેરિકા ખાતે રોજગાર ક્ષેત્રે મજબૂત વૃદ્ધિ અને ફુગાવામાં ઘટાડો થાય તો ફેડરલ રિઝર્વ માટે વ્યાજદરમાં કપાતના અવકાશની સ્થિતિ નિર્માણ થાય જોકે, ટેરિફ સહિતની નીતિવિષયક અનિશ્ચિતતા વ્યાજદરમાં ધીમી ગતિએ ઘટાડાનું મુખ્ય પ્રેરકબળ રહ્યું હોવાનું શિકાગો ફેડના પ્રમુખ ઑસ્ટિન ગુલસ્બીએ જણાવ્યું હતું.
Also read : આનંદો! તમારા EMI થશે સસ્તા RBI એ રેપો રેટ ઘટાડ્યો
જોકે, એએનઝેડે એક નોટ્સમાં અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજદરમાં 100 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરતાં ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો જોવા મળશે, એમ જણાવ્યું હતું.