એરપોર્ટ પર પર્સનલ જ્વેલરી લઈ જતા પહેલા આ નિયમો જાણી લોઃ નહીંતર કામે લાગી જશો | મુંબઈ સમાચાર

એરપોર્ટ પર પર્સનલ જ્વેલરી લઈ જતા પહેલા આ નિયમો જાણી લોઃ નહીંતર કામે લાગી જશો

આજકાલ વિદેશમાં જવાનું એક આમ વાત થઈ ગઈ છે. ખાસ કરીને ગુજરાતીઓ વિદેશના દરેક ખૂણે જઈને વસ્યા હોવાથી લગ્નપ્રસંગો માટે પણ લોકો મોટા પ્રમાણમાં વિદેશમાં જતા હોય છે. આવામાં જો તમે કોઈ પ્રસંગ માટે જાઓ છો અને તમારી સાથે જ્વેલરી છે તો તમારે સૌથી પહેલા એરપોર્ટ અને એરટ્રાવેલ દરમિયાન જ્વેલરી લાવવા-જવાના નિયમો વિશે જાણવું જરૂરી છે.

તે પહેલા દિલ્હી એરોપોર્ટ ખાતે એક મહિલા સાથે થયેલો કિસ્સો તમને જણાવીએ, જેથી જો તમને નિયમો અંગે જાણકારી ન હોય અને તમે અજાણતા ભૂલ કરી બેસો તો પણ તમારે ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે.
થોડા મહિનાઓ પહેલા થાઈલેન્ડથી એક લગ્નપ્રસંગ પતાવી એક પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે તેમને દિલ્હી ખાતેના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. કારણ એ હતું કે મહિલાએ કાનમાં ઝુમકા પહેર્યા હતા અને તેની બેગ સ્કેન થતા તેમાંથી પણ જ્વેલરી નીકળી હતી.

એરપોર્ટ પર તપાસ દરમિયાન, મહિલા મુસાફર પાસેથી 78 ગ્રામ વજનની ચાર રત્ન જડિત સોનાની બંગડીઓ, 67 ગ્રામ વજનનું સોનાનું પેન્ડન્ટ, એક સોનાની ચેઈન અને 45 ગ્રામ વજનની એક સોનાની બંગડી મળી આવી હતી. મહિલાએ કસ્ટમના અધિકારીઓને જણાવ્યું કે તે લગ્ન પ્રસંગમાં ગઈ હોવાથી તેની સાથે જ્વેલરી હતી. જોકે કસ્ટમ ઓફિસરે તેની વાત માની નહીં અને જ્વેલરી જપ્ત કરી. મહિલાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે તેમની પાસેથી જબરજસ્તી એક લેટર પર સાઈન પણ કરાવી હતી. જોકે મહિલા કોર્ટમાં ગઈ અને કોર્ટે તેની તરફેણમાં ચૂકાદો આપતા તેને રાહત થઈ. આ સાથે કોર્ટે અધિકારીને રૂ. 25,000નો દંડ પણ ફટકાર્યો, પરંતુ મહિલા અને પરિવારે ભારે રઝળપાટ સહન કરવો પડ્યો.

જ્વેલરી સાથે રાખતા પહેલા આ નિયમો વાંચી લો

કસ્ટમ્સ એક્ટમાં વ્યક્તિગત પર્સનલ જ્વેલરીના નિયમો ખૂબ જ સ્પષ્ટ છે. આ નિયમો હેઠળ, કોઈપણ મુસાફર પોતાના અંગત ઘરેણાં પહેરીને વિદેશ મુસાફરી કરી શકે છે. પરંતુ, તે પહેલાં તેણે કસ્ટમ્સ એક્ટમાં આપેલી પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. આ પ્રક્રિયા હેઠળ, વિદેશ જતી વખતે, મુસાફરે ડિપાર્ચર ટર્મિનલમાં સ્થિત કસ્ટમ ઓફિસમાં પોતાના ઘરેણાની માહિતી જાહેર કરવી પડશે. આ માટે તમારે એક ફોર્મ ભરવાનું હોય છે. મંજૂરી આપનાર દ્વારા ચકાસણી કર્યા પછી, મુસાફરને આ ફોર્મની નકલ આપવામાં આવશે.

વિદેશથી પરત ફર્યા પછી, મુસાફરે ટર્મિનલમાંથી બહાર નીકળવા માટે કસ્ટમ્સની ગ્રીન ચેનલને બદલે રેડ ચેનલ પસંદ કરવી જોઈએ. રેડ ચેનલ પર હાજર કસ્ટમ અધિકારીને આ ફોર્મ બતાવો અને તેમને જણાવો કે તે ડિપાર્ચર દરમિયાન તમે આ ફોર્મ ભર્યું હતું અને ડિક્લેરેશન આપ્યું છે.

આમ કરવાથી, કોઈપણ મુસાફરને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. કસ્ટમ્સ ઓફિસરે કહ્યું કે ભૂતકાળમાં, એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જેમાં કેટલાક મુસાફરો આર્ટિફિશિયલ ઘરેણાં પહેરીને વિદેશ ગયા હતા અને ત્યાંથી રિયલ ઘરેણાં પહેરીને પાછા ફર્યા હતા. આવી શક્યતાઓને કારણે, મુસાફરોની પર્સનલ જ્વેલરી પણ તપાસના દાયરામાં આવે છે. જો તમે આ પ્રક્રિયાને અનુસરો છો, તો તમે કોઈપણ પ્રકારની મુશ્કેલી ટાળી શકો છો.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button