
નવી દિલ્હી: એર ઈન્ડિયાની ફ્લાઈટ 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ જાણવા માટે તપાસ એજન્સી કામ કરી હતી જેનો રિપોર્ટ 12 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્લેનના એન્જિનમાં ઈંધણ નહીં પહોંચવાને કારણે ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હોવાનું તારણ મળી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સ્વીચ બંધ થઈ કેમ તે એક મોટું રહસ્ય છે. પરંતુ આવી ઘટના પહેલી વખત નથી બની કે કોઈ પ્લેનનું એન્જિન બંધ થઈ ગયું હોય. અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશના તપાસ રિપોર્ટના અહેવાલ વચ્ચે હવે એક આરટીઆઈ રિપોર્ટ ચોંકાવનારો મળ્યો છે, જેમાં પાંચ વર્ષમાં 65 એન્જિન બંધ થયા હતા. જાણીએ વિગતવાર રિપોર્ટ.
દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ
વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB)ના 15 પાનાના પ્રારંભિક રિપોર્ટમાં જણાવાયું છે કે એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ઇંધણના કટઓફને કારણે ક્રેશ થયું. ઉડાન ભર્યા બાદ પાઇલટમાં મૂંઝવણ સર્જાઈ, અને ઇંધણ પુરવઠો ખોરવાયો, જે ફરીથી ચાલુ કરવામાં આવ્યો. જોકે, આ સમસ્યા નિયંત્રણ બહાર જતાં દુર્ઘટના સર્જાઈ. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આવી ગંભીર ખામીઓ પાઇલટ માટે નિયંત્રિત કરવી મુશ્કેલ હોય છે.

વિમાનના એન્જિનની સમસ્યા
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)ના RTI હેઠળના આંકડા દર્શાવે છે કે 2020થી 2025 સુધી ભારતમાં 65 ઇન-ફ્લાઇટ એન્જિન નિષ્ફળતાની ઘટનાઓ નોંધાઈ. આ તમામ વિમાનો બાકીના એન્જિનની મદદથી સુરક્ષિત ઉતરાણ કરી શક્યા. ફેડરેશન ઑફ ઇન્ડિયન પાઇલટ્સના પ્રમુખ કેપ્ટન સી.એસ. રંધવાએ જણાવ્યું કે એન્જિન ફિલ્ટર બંધ થવું, પાણીની ભેળસેળ અથવા એન્જિનમાં બાહ્ય વસ્તુઓ ફસાવીએ એન્જિન બંધ થવાના મુખ્ય કારણો છે.
MAYDAY કૉલની વિગતો
RTI ડેટા અનુસાર 1 જાન્યુઆરી 2024થી 31 મે 2025 સુધી 11 MAYDAY કૉલ નોંધાયા, જેમાં ટેકનિકલ ખામીઓને કારણે કટોકટી લેન્ડિંગની માંગણી કરાઈ. આમાંથી ચાર ફ્લાઇટ હૈદરાબાદમાં ઉતરાણ કરવામાં આવ્યું હતું. એરલાઇન પાઇલટ્સ એસોસિએશનનું કહેવું છે કે MAYDAY કૉલ અને એન્જિન શટડાઉન વૈશ્વિકસ્તરે અસાધારણ નથી, પરંતુ તે ગંભીર હોઈ શકે છે.