ચેન્નઈમાં મંજુરી વિના પૂજા કરતા 39 RSS કાર્યકર્તાઓની અટકાયત; ભાજપે ટીકા કરી

ચેન્નઈ: હાલ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS)ની સ્થાપનાની શતાબ્દીની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં પરવાનગી વિના ગુરુ પૂજા અને શાખા તાલીમ સત્ર યોજવા બદલ 39 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. કાર્યકર્તાઓની અટકાયત કરવા બદલ ભાજપે તમિલનાડુ સરકારની ટીકા કરી છે.
અયપ્પંથંગલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુરુ પૂજા અને શાખા તાલીમ સત્ર યોજવામાં આવ્યું હતું, જેના માટે મંજુરી લેવામાં આવી ન હતી. પોલીસે કાર્યવાહી કરીને 39 RSS કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા હતાં.
આ પણ વાંચો: CJI ગવઈના માતા RSSના શતાબ્દી સમારોહમાં હાજરી નહીં આપે! આ કારણે લીધો મોટો નિર્ણય
સ્ટાલિન સરકારની ટીકા:
તમિલનાડુમાં ભાજપના નેતા તમિલિસાઈ સુંદરરાજને આ અટકાયત બદલ તમિલનાડુની સ્ટાલિન સરકારની ટીકા કરી છે. તેમણે પોલીસને કાર્યકરોને મુક્ત કરવા અપીલ કરી.
તમિલિસાઈએ કહ્યું, “લગભગ 50-60 કાર્યકર્તાઓ એક ગ્રાઉન્ડમાં પૂજા કરી રહ્યા હતા અને અચાનક પોલીસે તેમની અટકાયત કરી લીધી. બીજી મિલનાડુમાં ગુનેગારો રસ્તાઓ પર મુક્તપણે ફરી રહ્યા છે અને હત્યાઓ થઈ રહી છે, પરંતુ પોલીસ RSS કાર્યકર્તાઓ પર કાર્યવાહી કરી રહી છે.”
તમિલિસાઈએ આરોપ લગાવ્યો કે ડીએમકે સરકાર તમિલનાડુમાં અસામાજિક અને અલગતાવાદી તત્વોને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે કહ્યું, સરકારે ગુનેગારો સામે હાથે કડક હાથે કામ લેવું જોઈએ, પરંતુ જ્યારે RSSની માર્ચ હોય છે ત્યારે તરત જ પોલીસ તેમને પકડી લે છે.
નોંધનીય છે કે RSSની 100મા વર્ષગાંઠ નિમિત્તે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. જેના પર યુનિફોર્મ પહેરેલો RSS સ્વયંસેવક ‘ભારત માતા’ સમક્ષ નમન કરતા કરતો હોય એવું દર્શાવવામાં આવ્યું છે.