RSS 8000 વંચિત સમાજના વિદ્યાર્થીને કરાવશે કુંભમેળાની યાત્રા, જાણો શું છે કારણ
પ્રયાગરાજઃ મહાકુંભ મેળાનો આજે ચોથો દિવસ છે. બે શાહી સ્નાન થઈ ચૂક્યા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન લાખો લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી વંચિક વર્ગોને જોડવા એક અનોખી પહેલ કરી છે. સંઘની શિક્ષા શાખા વિદ્યા ભારતીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં વંચિત સમાજ અને અનુસૂચિત જાતિ (SC) સમુદાયો સાથે જોડાયેલા લગભગ 8000 વિદ્યાર્થીઓને કુંભ દર્શન કરાવવાની યોજના બનાવી છે.
માતા-પિતાને પણ સાથે લઇ જવાશે
આ પહેલની આજથી (16 જાન્યુઆરી) શરૂઆત થઈ છે. 10 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીને તેમના માતા-પિતા સાથે કુંભમેળામાં લઈ જવાશે. વિદ્યા ભારતી અનુસાર આ યાત્રાનો ઉદ્દેશ આવા બાળકો ધર્માંતરણના પ્રયાસથી પ્રભાવિત ન થાય તે માટે હિન્દુ પરંપરા, ભારતીય સંસ્કૃતિ અને મહાકુંભના આધ્યાત્મિક મહત્ત્વથી પરિચિત કરાવવાનો છે. ઉત્તર પ્રદેશના અવધ વિસ્તારના 14 જિલ્લાના 2100 વિદ્યાર્થીઓને 16 થી 18 જાન્યુઆરી દરમિયાન મહાકુંભનો પ્રવાસ કરાવવામાં આવશે. જે બાદ ગોરખપુર, કાશી અને કાનપુરના વિદ્યાર્થીઓને 24 થી 26 જાન્યુઆરી તથા અન્ય દિવસોમાં યાત્રા કરાવવામાં આવશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓ માટે પણ આ યોજના પર કામ થઈ રહ્યું છે. આરએસએસનું આ પગલું ભારતીય પરંપરાઓને પ્રોત્સાહન આપવા અને વંચિત સમાજને મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો એક સકારાત્મક પ્રયાસ માનવામાં આવે છે.
ભારતીય પરંપરા અને મહાકુંભની આધ્યાત્મિક બાબતોને સમજશે
અવધ પ્રાંતની સેવા ભારતી સ્કૂલના રામજી સિંહે જણાવ્યું, આ વિદ્યાર્થીઓને સંતોના આશ્રમ, અખાડા અને સંગમ ઘાટ પર લઈ જવાશે. જ્યાં તેઓ ભારતીય પરંપરા અને મહાકુંભની આધ્યાત્મિક બાબતોને સમજશે. જે તેમને ધર્માંતરણથી બચાવવા અને પોતાના અસ્તિત્વને બચાવવામાં મદદ કરશે. કુંભ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને રોકાવા માટે મેળા વિસ્તારના સેક્ટર 9માં એક વિશેષ શિબિર બનાવવામાં આવી છે. યાત્રા બાદ વિદ્યાર્થીઓના અનુભવોને શેર કરવા માટે એક સત્રનું આયોજન પણ થશે.
આ પણ વાંચો…આંધ્ર પ્રદેશની નાયડુ સરકાર ચૂંટણી લડવા માટે લાવશે આવો કાયદો? વસ્તી વધારવાનું આ તે કેવું તિકડમ
વિદ્યા ભારતીનું સંસ્કાર કેન્દ્ર મુખ્ય રીતે ગરીબ અને ઝૂંપડ પટ્ટીઓમાં રહેતા બાળકોને શિક્ષણ આપે છે. આ કાર્યક્રમમાં બાળકોને ન માત્ર નિયમિત સ્કૂલનું શિક્ષણ આપવામાં આવે છે પરંતુ ભારત માતાની પૂજા, રાષ્ટ્રભક્તિના ગીત અને વડીલોનું સન્માન કરવાનું શીખવવામાં આવે છે.