રાજસ્થાનમાં ચૂંટણીની જાહેરાત બાદ 244 કરોડ રૂપિયાની રોકડ જપ્ત, તપાસ એજન્સીઓ દ્વારા ઝડપી કાર્યવાહી
જયપુરઃ ચૂંટણીના પડઘમ વાગે એટલે રોકડની હેરફેર ચાલુ થઇ જ જાય. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે અને આચારસંહિતા લાગુ થયા બાદ વિવિધ એજન્સીઓએ છેલ્લા 15 દિવસમાં 244 કરોડથી વધુની રોકડ જપ્ત કરી છે. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ, આવકવેરા, એક્સાઇઝ અને અન્ય એજન્સીઓ કડક તકેદારી રાખી રહી છે.
ગેરકાયદેસર રોકડ, દારૂ અને ડ્રગ્સ વગેરે જપ્ત કરવામાં નવો રેકોર્ડ સર્જાયો છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી વિભાગના સંકલન અને તત્પરતાને કારણે સરકારે વર્ષ 2023માં કુલ 1 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર પ્રવીણ ગુપ્તાએ મંગળવારે માહિતી આપતા જણાવ્યું હતું કે ગયા જૂનથી અત્યાર સુધીમાં 648 કરોડ રૂપિયા અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે છેલ્લા 15 દિવસમાં 244 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે. પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ વર્ષે ગેરકાયદેસર દારૂ, સોના-ચાંદી વગેરેની કુલ જપ્તીમાં ત્રણ ગણો વધારો થયો છે. વર્ષ 2021માં 322 કરોડ રૂપિયા, વર્ષ 2023માં 1021 કરોડ રૂપિયા અને વર્ષ 2022માં 347 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.