Top Newsનેશનલ

હજુ પણ લોકો પાસે જે રૂ. 2000ની ચલણી નોટ: RBIએ જાહેર કર્યો ચોંકાવનારો આંકડો…

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા મે 2023માં રૂ. 2,000ની ચલણી નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે લોકોને ચલણી નોટ જમા કરાવવા માટેની સુવિધા અને સમય પણ આપવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી રૂ. 2000ની અનેક ચલણી નોટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)માં જમા થઈ નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જમા ન થયેલી રૂ. 2000ની ચલણી નોટનો ચોંકાવનારો આંકડો જાહેર કર્યો છે.

જ્યાં સુધી તમામ નોટ જમા નહીં થાય…

મે 2023માં RBI દ્વારા કુલ રૂ. 3.56 લાખ કરોડ રકમની રૂ. 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચવામાં આવી હતી. આ પૈકી કેટલી ચલણી નોટ જમા કરવામાં આવી છે, એ અંગે RBIએ આંકડા જાહેર કર્યા છે. RBI દ્વારા જાહેર કરાયેલા 31 ઓક્ટોબર, 2025 સુધીના આંકડા મુજબ, રૂ. 3.50 લાખ કરોડની રકમની રૂ. 2000ની ચલણી નોટ જમા થઈ ગઈ છે.

જ્યારે રૂ. 5,817 કરોડની રકમની રૂ. 2000ની નોટ હજુ પણ જનતાના કબજામાં છે. જેના પરત આવવાની રાહ જોવાઈ રહી છે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી રૂ. 2000ની બાકીની નોટો સંપૂર્ણપણે પરત ન આવે ત્યાં સુધી તે કાયદેસર ચલણ (Legal Tender) તરીકે યથાવત રહેશે.

ઉલ્લેખનીય છે કે, મે 2023માં રૂ. 2000ની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત પછી, RBI એ લોકોને 7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેંક શાખાઓમાં નોટો બદલવાની સુવિધા આપી હતી. જોકે, હવે આ પ્રક્રિયા માત્ર 19 RBI ઑફિસો સુધી મર્યાદિત કરવામાં આવી છે.

જેમાં અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ઈ-ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, ઈ-નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમની RBI ઑફિસનો સમાવેશ થાય છે.

આ સિવાય કોઈપણ વ્યક્તિ પોતાની નજીકની કોઈપણ પોસ્ટ ઑફિસ દ્વારા અથવા ઈન્ડિયા પોસ્ટ મારફતે રૂ. 2000ની ચલણી નોટને RBIની કોઈપણ જારી કરતી ઑફિસમાં મોકલી શકે છે, જેથી તે રકમ તેમના બેંક ખાતામાં જમા થઈ શકે.

નોટબંધી બાદ રૂ. 2000ની નોટનો ઇતિહાસ

નવેમ્બર 2016માં દેશમાં નોટબંધીની જાહેરાત બાદ રૂ. 500 અને રૂ. 1,000ની નોટો બંધ કરવામાં આવી હતી અને ઉચ્ચ મૂલ્યની નોટોની અછતને દૂર કરવા માટે રૂ. 2000ની ચલણી નોટ રજૂ કરવામાં આવી હતી. બજારમાં અન્ય મૂલ્યોની નોટો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થયા પછી, RBI એ 19 મે, 2023ના રોજ ‘ક્લીન નોટ નીતિ’ (Clean Note Policy) હેઠળ તેને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી.

આ પણ વાંચો…ચલણી નોટમાં જોવા મળતો સિક્યોરિટી થ્રેડ ચાંદીમાંથી બનાવવામાં આવે છે? RBIએ કરી સ્પષ્ટતા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button