જમ્મુ આતંકી હુમલામાં મૃતકોના પરિજનોને રૂ. 10 લાખ વળતરની જાહેરાત

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના (Jammu-Kashmir terrorist attacks) રિયાસી જિલ્લામાં બસ પર થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારને રૂ. 10-10 લાખનું વળતર (10 lacks compansation) આપવાની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અસરગ્રસ્ત લોકોને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. આતંકવાદી હુમલા માટે જવાબદાર ગુનેગારોને પકડવાના પ્રયાસો ચાલુ છે.
સત્તાવાર પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ઘાયલોને રૂ. 50,000ની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની પણ જાહેરાત કરી છે. રિયાસીમાં રવિવારે શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકોના મૃત્યુ થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા. બસ કટરામાં શિવ ઘોડી મંદિરથી માતા વૈષ્ણો દેવી મંદિર જઈ રહી હતી ત્યારે પોની વિસ્તારના તેરયાથ ગામ પાસે તેના પર હુમલો થયો અને ગોળીબાર બાદ 53 સીટર બસ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી.
બસમાં સવાર એક પીડિત અને પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, તેણે બસ પર આતંકવાદી ગોળીબાર થતા જોયો છે. બસ ખીણમાં પડી ગયા બાદ પણ એક આતંકવાદીએ 20 મિનિટ સુધી ગોળીબાર કર્યો હતો. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ પણ જણાવ્યુ હતું કે, બસ પર 25 થી 30 ગોળીઓ ચલાવવામાં આવતા બસ ખીણમાં ખાબકી હતી, જ્યારે અન્ય એક પીડિતાએ જણાવ્યું હતું કે, તેણે લાલ મફલર અને એક માસ્ક પહેરેલા હુમલાખોરને બસ પર ખુલ્લેઆમ ગોળીબાર કરતા જોયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં પૂંછ-રાજૌરી સેક્ટરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અનેક ગોળીબાર થયા છે. આમાં બંને પક્ષે માર્યા ગયેલા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. 29મી જૂને અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા રિયાસીમાં થયેલો આતંકી હુમલો સરકાર માટે ચિંતાજનક છે. પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહે આતંકવાદી હુમલાને ખૂબ ગંભીરતાથી લીધો છે અને સુરક્ષા દળોને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.