હરિયાણામાં ADGP બાદ હવે ASIએ કરી આત્મહત્યાઃ સ્યુસાઈડ નોટમાં કર્યો મોટો ધડાકો…

ચંદીગઢ: હરિયાણામાં હજુ સુધી ADGP વાય એસ પૂરણના કેસને લઈને કાર્યવાહી શરૂ નથી થઈ, ત્યાં એક બીજા પોલીસ અધિકારીની આત્મહત્યાની ઘટના સામે આવી છે. રોહતકના સાયબર સેલમાં ASI તરીકે ફરજ બજાવતા સંદીપ કુમારે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તેની પાસેથી ત્રણ પાનાની સ્યુસાઈડ નોટ તથા એક વીડિયો મેસેજ પણ મળી આવ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, ASI સંદીપ કુમારે પોતાના મૃત્યુ માટે ADGP વાય એસ પૂરણને જવાબદાર ગણાવ્યા છે.
ASI સંદીપ કુમારે સ્યુસાઈડ નોટમાં શું લખ્યું
ASI સંદીપ કુમારે પોતાના સ્યુસાઈડ નોટમાં ADGP વાય એસ પૂરણ પર ગંભીર આરોપો લગાવ્યા છે. સ્યુસાઈડ નોટ સંદીપ કુમારે પોતાને દેશભક્ત ગણાવતા કહ્યું છે કે, મારા દાદાજી અને નાના દાદાજી દેશ માટે સેનામાંથી લડ્યા હતા. મારી નસોમાં દેશભક્તિ છે.દેશ અને સમાજથી મોટું કોઈ નથી. હું ભગતસિંહને પોતાનો આદર્શ માનું છું, મેં મારા જીવનમાં હંમેશા સત્યનો સાથ આપ્યો છે. મને સાચા અને ઇમાનદાર માણસો પસંદ છે.
ASI સંદીપ કુમારે સ્યુસાઈડ નોટમાં આગળ જણાવ્યું કે, “ભ્રષ્ટાચાર અને જાતિવાદ આજે સમાજમાં એક મોટો મુદ્દો બની ગયા છે. હરિયાણામાં IAS અધિકારી મોટાપાયે ભ્રષ્ટાચાર કરે છે, પરંતુ ભાજપ સરકારમાં કેટલાક ઇમાનદાર અધિકારીઓ હતા, જેમણે મહદંશે ભ્રષ્ટાચાર લગામ લગાવી છે. જે DGP સાહેબ છે, તે ઇમાનદાર અને નિડર માણસ છે.
અમે ગુનાખોરી અટકાવવાના ઘણઆ પ્રયાસો કર્યા. જેમાં ઘણા અધિકારીઓનો સહકાર અને સારું માર્ગદર્શન મળ્યું. પરંતુ રોહતક રેન્જમાં IG પૂરણ કુમારની બદલી થતાની સાથે જ તેમણે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને IG ઓફિસમાં તૈનાત કર્યા અને ઇમાનદાર અધિકારીઓની બદલી કરી દીધી. તેમણે ગર ફરિયાદે રોહતક રેન્જથી ફાઈલ મંગાવીને તેમાં નાની-મોટી ખામીઓ કાઢીને મેન્ટલી ટોર્ચર કરવાનું શરૂ કર્યું.
IAS સુનીલ, ગનમેન સુશીલ પૈસા પડાવતા હતા. મહિલા પોલીસ અધિકારીઓને ઓફિસમાં બોલાવીને બદલી કરાવવાના નામે હેરાનગતિ કરવામાં આવતી હતી તથા યૌન શોષણ કરવામાં આવ્યું અને સામાન્ય નાગરિકો, વેપારીઓને બોલાવીને ફિઝિકલી તથા મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યા અને મોટી લાંચ લેવામાં આવી. અપરાધને ન માત્ર પ્રોત્સાહન આપવામાં આવ્યું, પરંતુ તે તેને પરાકાષ્ઠાએ પહોંચાડવામાં આવ્યો.”
મારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે: ADGP પુરણ કુમાર
ASI સંદીપ કુમારે જણાવ્યું કે, “કોઈ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરતું તો તે કહેતા કે કોઈ મારો વાળા વાંકો નહીં કરી શકે. મારી પત્ની IAS છે અને સાળો ધારાસભ્ય છે અને આખો પરિવાર એસસી આયોગમાં છે. કોઈ મારું કશું બગાડી શકશે નહીં. આ રીતે IG પૂરણ કુમારને ભ્રષ્ટાચાર કરવાની તાકત મળી હતી અને તેમણે મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો. ઉચ્ચ અધિકારીઓ અને મુખ્ય પ્રધાનના ધ્યાને આ વાત આવી ત્યારે તેમની બદલી કરવામાં આવી.
બદલી પછી એક વેપારીને તેમણે પોતાની ઓફિસમાં બોલાવીને તેનું અપમાન કર્યું અમે મા-બહેનની ગાળો ભાંડી. વેપારીની ઓફિસમાં જઈને ગનમેન સુશીલ કુમારે પૈસા લીધા. જેના સીસીટીવી ફૂટેજ અને વોઇસ રેકોર્ડિંગ રજૂ કરીને કેસ દાખલ કરવામાં આવ્યો. કેસમાં IG સાહેબનું નામ આવ્યું., જેથી તેમણે જાતિગત આયોગનો સહારો લઈ અને રાજનૈતિક રંગ આપવા માટે ખોટી સ્યુસાઈડ નોટ તૈયાર કરીને આત્મહત્યા કરી. તેમણે માત્ર ધરપકડથી બચવા માટે આ પગલું ભર્યું હતું.
પુરણ કુમારની પત્ની પર મોટો આરોપ
સ્યુસાઈડ નોટના અંતમાં સંદીપ કુમારે જણાવ્યું કે, “એ સત્ય અને ઇમાનદારીની ભ્રષ્ટાચાર સામે લડાઈ છે. આમાં સત્ય સામે આવવું જોઈએ. IAS પત્ની પોતાનો ભ્રષ્ટાચાર સામે ન આવે, સંપત્તિની તપાસ ન થાય, તે માટે ઢોંગ કરી રહી છે. પરંતુ સત્ય હારવું જોઈએ નહી. આ આપણા દેશ અને સમાજને આગળ વધારવા માટે ઘણું જરૂરી છે.
આપણા સમાજમાં કાળા કાગડા અને ભષ્ટાચારીઓ આ લડતને અટકાવવામાં એ ભૂલી ગયા કે અમારી નસોમાં પણ દેશભક્તિ ભરાયેલી છે. મારા જેવા 100 લોકોના બલિદાને પણ દેશ જુકશે નહીં અને સત્યની જીત થશે. આ સત્ય અને ઇમાનદારીની લડતમાં હું મારી પહેલી આહૂતિ આપી રહ્યો છું.”