નેશનલ

બારામતી વિમાન દુર્ઘટનામાં રોહિત પવારના ગંભીર આક્ષેપો: શું છે પ્રફુલ્લ પટેલ અને વિમાન કંપનીનું કનેક્શન?

મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવારના બારામતીમાં થયેલા આકસ્મિક વિમાન દુર્ઘટનામાં નિધન બાદ હવે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. શરદ પવાર જૂથના ધારાસભ્ય અને અજિત પવારના ભત્રીજા રોહિત પવારે મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ ઘટનાને માત્ર અકસ્માત માનવાનો ઇનકાર કરીને અનેક સવાલો ઉઠાવ્યા છે. રોહિત પવારના આરોપોને કારણે હવે આ મામલે તપાસની દિશા બદલાઈ શકે તેવી શક્યતા છે, અને તેમની શંકાની સોય એનસીપી (અજિત જૂથ) ના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલ તરફ પણ ચીંધાઈ રહી છે.

રોહિત પવારે પ્રેસ કોન્ફરન્સમાં વિમાનની માલિકી ધરાવતી કંપની VSR અને ફ્લાઈટ બુકિંગ કરનારી એરો કંપની પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ કર્યો કે છેલ્લી ઘડીએ અજિત પવારનો રોડ માર્ગે જવાનો પ્લાન કેમ બદલાયો અને ફ્લાઈટ બુકિંગ મોડી રાત્રે જ કેમ કરવામાં આવ્યું? પાયલટ કેપ્ટન સુમિત કપૂરના રેકોર્ડ અને ઘટના સમયે તેમના મૌન પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રોહિતના મતે, રનવેની પસંદગી અને ટ્રાન્સપોન્ડરનું બંધ થવું એ કોઈ મોટી ખામી અથવા જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય હોઈ શકે છે.

આ ઘટનાને માત્ર સંયોગ માનવા તૈયાર ન હોય તેમ રોહિત પવારે ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી ‘મોસાદ’ પર આધારિત એક પુસ્તકનો હવાલો આપીને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “ક્યારેક ડ્રાઈવરને ખતમ કરવો એ સૌથી અસરકારક રીત હોય છે.” તેમણે દાવો કર્યો કે જે પાયલટોને અગાઉ ફ્લાઈટ માટે સોંપવામાં આવ્યા હતા તેમને છેલ્લી ઘડીએ કેમ બદલવામાં આવ્યા? આ ઉપરાંત, તેમણે વિમાનના મેઈન્ટેનન્સ સાથે જોડાયેલી કંપની અને પ્રફુલ્લ પટેલના કથિત જોડાણ પર પણ આંગળી ચીંધી છે, જેનાથી વિવાદ વધુ ઘેરો બન્યો છે.

આ મામલે વધુ વિગતવાર માહિતી આપવા માટે રોહિત પવાર આજે દિલ્હી પહોંચી રહ્યા છે, જ્યાં તેઓ પ્રેસ ક્લબમાં રાષ્ટ્રીય મીડિયા સમક્ષ પોતાની શંકાઓ રજૂ કરશે. બીજી તરફ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ આ મામલે નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસની ખાતરી આપી છે. હાલમાં AAIB, DGCA અને મહારાષ્ટ્ર CID દ્વારા તપાસ ચાલી રહી છે અને બ્લેક બોક્સનો રિપોર્ટ જાહેર થયા બાદ જ સત્ય બહાર આવશે તેવી આશા સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઘટનાના થોડા કલાકો બાદ એનસીપી (SP) પ્રમુખ શરદ પવારે આને માત્ર એક દુર્ઘટના ગણાવી હતી, પરંતુ તેમના જ ભત્રીજા રોહિત પવારે હવે તથ્યો સાથે નવા સવાલો ઉભા કર્યા છે. રોહિત પવાર, જેઓ શરદ પવારના ખૂબ નજીકના માનવામાં આવે છે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની શંકાઓનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તેઓ આ મુદ્દો ઉઠાવતા રહેશે. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી પ્રભાવશાળી ગણાતા પવાર પરિવારમાં અજિત પવારના નિધનથી આવેલી ખાલીપો હવે કાયદાકીય અને રાજકીય લડાઈમાં ફેરવાઈ ગઈ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button