
નવી દિલ્હી: કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સ્કાયલાઈટ હૉસ્પિટેલિટી પ્રા. લિ. નામની કંપનીના માલિક છે. આ કંપની દ્વારા તેમણે હરિયાણાના શિકોહપુર ખાતે રૂ. 7.5 કરોડમાં ખરીદેલી જમીન રૂ. 58 કરોડમાં વેચી હતી. જમીન ખરીદવાથી લઈને તેને વેચવા સુધીની પ્રક્રિયામાં ઘણી ખામી હતી, જેથી તેમાં મની લોન્ડ્રિંગની આશંકા દેખાઈ હતી. જેથી 2019માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેડ(ઈડી) દ્વારા શિકોહપુર લેન્ડ ડીલ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં ઈડી દ્વારા આજે રોબર્ટ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી છે.
રોબર્ટ વાડ્રાની 43 સંપત્તિ થઈ જપ્ત
રોબર્ટ વાડ્રાની સાથે જુદા-જુદા ત્રણ કેસમાં ઈડીની તપાસ ચાલી રહી છે, જે પૈકીના શિકોહપુર લેન્ડ ડીલ કેસમાં આજે રોબર્ટ વાડ્રા સામે ઈડીએ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં રોબર્ટ વાડ્રાની સાથોસાથ કેટલાક લોકો અને કંપનીઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય ઈડી દ્વારા રોબર્ટ વાડ્રાની 43 સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. આ કેસને લઈને ઈડીએ એપ્રિલ મહિનામાં રોબર્ટ વાડ્રાની સતત ત્રણ દિવસ પૂછપરછ કરી હતી.
શિકોહપુર લેન્ડ ડીલ કેસ શું છે?
2008માં હરિયાણામાં કૉંગ્રેસની સરકાર હતી. ત્યારે રોબર્ટ વાડ્રાની સ્કાયલાઈટ હૉસ્પિટેલિટી પ્રા. લિ. કંપની દ્વારા શિકોહપુર ખાતે ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ નામની એક કંપની પાસેથી 3.5 એકર જમીન અંદાજિત રૂ. 7.5 કરોડમાં ખરીદી હતી. ત્યાર બાદ હરિયાણા સરકારે નિયમોને નેવે મૂકીને સ્કાયલાઈટ હૉસ્પિટેલિટી પ્રા. લિ.ને કમર્શિયલ લાઇસન્સ પણ આપી દીધું હતું. આ જમીનને 2012માં ડીએલએફ કંપનીને રૂ. 58 કરોડમાં વેચવામાં આવી હતી.
IAS અધિકારી ગેરરીતિનો કર્યો પર્દાફાશ
પરંતુ તે સમયના હરિયાણાના આઈએએસ અધિકારી અશોક ખેમકાએ આ જમીનના ખરીદ-વેચાણમાં ગેરરીતિ થયાની આશંકા જતા આ જમીનનો સોદો રદ્દ કરી દીધો હતો. જેથી આ કેસ સામે આવ્યો હતો. હરિયાણાના તોરૂના રહેવાસી સુરેન્દ્ર શર્માએ 1 સપ્ટેમ્બર 2018ના રોજ ગુરુગ્રામના ખેરકી દૌલા પોલીસ સ્ટેશનમાં રોબર્ટ વાડ્રા સામે મની લોન્ડ્રિંગની ફરિયાદ નોંધાવી હતી. ગુરુગ્રામ પોલીસની ફરિયાદના આધારે 2019માં ઈડી દ્વારા શિકોહપુર લેન્ડ ડીલ કેસમાં મની લોન્ડ્રિંગની તપાસ શરૂ કરી હતી.
14 જુલાઈએ પણ ઈડીએ કરી પૂછપરછ
ઉલ્લેખનીય છે કે, 14 જુલાઈ 2025ના રોજ પણ ઈડી દ્વારા રોબર્ટ વાડ્રાની 5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જે લંડનના આર્મ્સ કન્સલ્ટન્ટ કન્સલન્ટન્ટ સંજય ભંડારી સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસને લઈને કરવામાં આવી હતી. આ મની લોન્ડ્રિંગના કેસને લઈને 2023માં સંજય ભંડારીના સંબંધી સુમિત ચઢ્ઢા સામે ઈડીએ ચાર્જશીટ દાખલ કરી હતી.
આ પણ વાંચો…બે સમન્સ અવગણ્યા બાદ રોબર્ટ વાડ્રા ED સમક્ષ હાજર થયા; આ મામલે પૂછપરછ થઇ
આ પણ વાંચો…Priyanka Gandhi રોબર્ટ વાડ્રાને પ્રથમ વખત મળ્યા ત્યારે કેટલા વર્ષના હતા? જાણો રોચક વાતો