બે સમન્સ અવગણ્યા બાદ રોબર્ટ વાડ્રા ED સમક્ષ હાજર થયા; આ મામલે પૂછપરછ થઇ

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે તાપસ કરી રહી છે. સોનિયા ગાંધીના જમાઈ અને જાણીતા ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા (Robert Vadra) સામે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તપાસ કરી રહી છે. ગત મહીને EDના બે સમન્સ અવગણ્યા બાદ આજે વાડ્રા પુછપરછ માટે હાજર થયા હતાં. બ્રિટિશ હથિયાર સલાહકાર સંજય ભંડારી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ EDએ ગયા મહિને વાડ્રાને નિવેદન નોંધાવવા માટે હાજર થવા સમન્સ મોકલ્યું હતું. પરંતુ એ સમયે તેઓ વિદેશ યાત્રા પર હોવાને કારણે હાજર રહી શક્યા ન હતાં. વાડ્રા આજે સવારે 11 વાગ્યાની આસપાસ એપીજે અબ્દુલ કલામ રોડ ખાતેની આવેલી EDની ઓફિસ પહોંચ્યા. ભંડારી સાથેના તેમના જોડાણ અંગે પૂછપરછ કરવામાં આવી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આજે વાડ્રાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
ભંડારી સાથેના જોડાણને કારણે પુછપરછ:
વર્ષ 2016 માં આવકવેરા વિભાગ દ્વારા દિલ્હીમાં પાડવામાં આવેલા દરોડા સંજય ભંડારી લંડન ભાગી ગયો હતો. તાજેતરમાં, દિલ્હીની એક કોર્ટે તેને ઇકોનોમિક ઓફેંડર જાહેર કર્યા હતાં. ભંડારીના પ્રત્યાર્પણ માટે ભારત સરકારે બ્રિટિશ કોર્ટ સમક્ષ મુકદમો દાખલ કર્યો હતો, જેને કોર્ટે ફગાવી દીધો હતો. યુકે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય પડકારવાની મંજુરી આપવામાં આવી નથી. આ પછી, ભંડારીને ભારત લાવવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ભંડારી સાથે કથિત જોડાણની શંકાએ EDએ વાડ્રા સામે પણ તપાસ શરુ કરી છે.
અન્ય બે કેસમાં પણ ED તપાસ થઇ રહી છે:
અહેવાલ મુજબ ED ત્રણ અલગ અલગ મની લોન્ડરિંગ કેસોમાં વાડ્રા સામે તપાસ ચાલી રહી છે, જેમાંથી એક કેસ સંજય ભંડારી સાથે જોડાયેલો છે, અન્ય બે કેસ જમીન સોદા સાથે જોડાયેલા છે. હરિયાણામાં 2008ના જમીન સોદામાં કથિત અનિયમિતતાઓ સાથે સંબંધિત બીજા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં EDએ એપ્રિલમાં સતત ત્રણ દિવસ વાડ્રાની પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો….રોબર્ટ વાડ્રા સામે કાર્યવાહી કરનાર IAS અધિકારી અશોક ખેમકા આજે નિવૃત્ત થયા, કારકિર્દીમાં 57 વખત બદલી થઇ