બિહારમાં તંત્રની ‘બેદરકારી’નો ગજબનો નમૂનો: ખેતરોની વચ્ચે પુલ બનાવ્યો

પટણા: બિહાર રાજ્ય આમ તો કોઇને કોઇ બાબતે સતત ચર્ચામાં રહેતું હોય છે. વિકાસલક્ષી કામકાજની સ્થિતિ, ભ્રષ્ટાચાર સહિતની બાબતોથી તે સમાચારની હેડલાઇન બનતું રહે છે. ગયા વર્ષે બિહારમાં પુલ તૂટી પડવાના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવ્યા હતા. જ્યારે હવે ફરી એક એવી ઘટના સામે આવી છે કે તેના વિશે જાણ્યા બાદ તમારા પગ નીચેથી જમીન ખસી જશે.
સરકાર અને કોન્ટ્રાક્ટરની મિલિભગતનો આક્ષેપ
બિહારના શિવહરમાંથી મળી આવેલી એક તસવીર ચોંકાવનારી તો છે જ પણ સાથે જ અનેક પ્રશ્નો પેદા કરે છે, જેમાં ખેતરોની વચ્ચે અહીં એક પુલ બનાવાયો છે, પરંતુ તેને જોડવા માટે કોઈ રસ્તો બનાવવામાં આવ્યો નથી.
આપણ વાંચો: ભ્રષ્ટાચારનો ભોરિંગઃ ડેપ્યુટી કલેકટર બાદ હવે ગાંધીનગરનો ASI રૂપિયા 2 લાખની લાંચ લેતા ઝડપાયો…
આ દૃશ્ય જોઈને એવું લાગે છે કે જાણે હવે પુલની ખેતી પણ શરૂ થઈ ગઈ હોય. આ પુલની સ્થિતિ પર સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સરકારી વિભાગ અને કોન્ટ્રાકટરની મિલીભગત હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
જાણે હવે થશે પુલની ખેતી?
હકીકતે શિવહર જિલ્લાના બેલવા-નરકટિયા ગામથી દેવપુર સુધી બાંધવામાં આવનાર રાજ્ય ધોરીમાર્ગ-54 (SH-54) પ્રોજેક્ટનું કામ અધૂરું છે. આ પ્રોજેક્ટ હેઠળ ઘણા પુલ બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમને જોડતા રસ્તાઓ હજુ સુધી બનાવવામાં આવ્યા નથી.
આપણ વાંચો: લોકપાલને ભ્રષ્ટાચારની 2,400થી વધુ ફરિયાદ મળ્યાની સરકારનો સંસદમાં જવાબ
પરિણામ એ આવ્યું છે કે આ પુલ હવે કઈ જ કામના નથી રહ્યા કારણ કે ત્યાં પહોંચવાનો કોઈ રસ્તો નથી. પુલની તસવીર જોતાં એવું લાગે છે કે તુવેર અને અળસીના પાક ઉપરાંત, વિસ્તારના ખેતરોમાં પુલની ખેતી પણ શરૂ થઈ ગઈ છે.
શું કહેવું છે જિલ્લા વહીવટી તંત્રનું?
પુલની કામગીરી અંગે જિલ્લા વહીવટી તંત્રએ કહ્યું હતું કે આ પુલ રાજ્ય ધોરીમાર્ગ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે ઘણા વર્ષોથી પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે મુખ્યા મથક તરફથી જમીન સંપાદન અને બાંધકામ અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે અને તેના પર કામ ટૂંક સમયમાં શરૂ થશે