યુપીના ઈટાવામાં ભયાનક માર્ગ અકસ્માત, કાર બસ સાથે અથડાતા 6ના મોત અને 45 ઘાયલ
ઇટાવા: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ઇટાવામાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે (Agra-Lucknow Expressway) પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો (Itawa Accident) હતો. બસ અને કાર અથડામણ થતા છ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, એહેવાલ મુજબ 45 લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ઇટાવા પાસે કાર ચાલકને ઊંઘનુ ઝોંકુ આવી જવાને કારણે આ અકસ્માત થયો હતો. કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું, સામેની લેન પર લખનઉ તરફથી આવતી સ્લીપર બસ સાથે અથડાઈ.
કારની બસ સાથેની ટક્કર એટલી જોરદાર હતી કે સ્લીપર બસ ટક્કર થતાં જ એક્સપ્રેસ વે પરથી નીચે પડી ગઈ હતી. બસ હાઇવે પરથી નીચે પડતાં મુસાફરોએ બુમબુમ કરી મૂકી હતી. કાર અને બસ વચ્ચેની આ અથડામણમાં છ લોકોના મોત થયા છે.
માર્યા ગયેલા લોકોમાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોનો સમાવેશ થાય છે, જ્યારે બાકીના ત્રણ બસના મુસાફરો હતા.
માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને સૈફઈની ઉત્તર પ્રદેશ મેડિકલ સાયન્સ યુનિવર્સિટી, દાખલ કરવામાં આવ્યા છે.