લાલુના ઘર બહાર RJD નેતાએ કુર્તો ફાડ્યો, રડ્યા અને ગંભીર આરોપ લગાવ્યા

પટના: બિહાર વિધાનસભા ચૂંટણી માટે 6ઠ્ઠી અને 11મી નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે, એ પહેલા રાજકીય પક્ષો બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. દરેક ચૂંટણીમાં ટીકીટ ફાળવણીને કારણે કેટલાક નેતાઓને મનદુઃખ થતું હોય છે, રાષ્ટ્રીય જનતા દળ(RJD)માં પણ હાલ આવુ જ બન્યું છે. RJD નેતા મદન શાહ પટનામાં આવેલા લાલુ પ્રસાદ યાદવના નિવાસસ્થાન બહાર પહોંચ્યા હતાં અને પાર્ટી વિરુદ્ધ ઉગ્ર નારા લગાવ્યા હતાં, જેને કારણે હોબાળો મચી ગયો હતો.
મદન શાહને મધુબન વિધાનસભા બેઠક ટીકીટના દાવેદાર માનવામાં આવતા હતાં, પરંતુ પાર્ટીએ તેમને બદલે ડૉ. સંતોષ કુશવાહાને ટીકીટ આપી દીધી, જેણે કારણે તેઓ નારાજ થયા. મદન શાહ આજે પાર્ટીના વડા લાલુ પ્રસાદ યાદવના નિવાસસ્થાન પાસે પહોંચ્યા હતાં અને મેઈન ગેટ પાસે વિરોધ શરુ કર્યો. તેમણે પોતાનો કુર્તો ફાડી નાખ્યો, જમીન પર સૂઈ ગયા અને જોરથી રડવા લાગ્યા.
આ હોબાળો જોઈને રાસ્તા પરથી પસાર લોકો ત્યાં જમા થઇ ગયા અને આ ઘટના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. મદન શાહનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
RJD પર લગાવ્યા ગંભીર આરોપ:
ન્યુઝ એજન્સી સાથે વાત કરતા મદન શાહે કહ્યું કે પાર્ટી પૈસા લઇને ટિકિટ આપી રહી છે. તેમણે કહ્યું, “મેં પૈસા આપવાનો ઇનકાર કર્યો, એટલે પાર્ટીએ ડૉ. સંતોષ કુશવાહાને ટિકિટ આપી દીધી. મેં મારી જમીન પણ વેચી દીધી, પણ મને ટિકિટ ન મળી. પાર્ટીએ ભાજપના એજન્ટને ટિકિટ આપી.”
મદન શાહે કહ્યું કે પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય યાદવ ટિકિટના દલાલ છે અને ટિકિટનું વેચાણ બેફામ રીતે ચાલી રહ્યું છે. 1990 ના દાયકાથી પાર્ટી માટે સખત મહેનત કરતા કાર્યકરોને હવે અવગણના કરવામાં આવી રહી છે.
આ ઘટના અને આરોપો અંગે અત્યાર સુધી આરજેડી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.