આરજેડીના ચૂંટણી ઢંઢેરામાં એક કરોડ સરકારી નોકરી અને ગરીબ બહેનોને રૂ. એક લાખ

પટના: બિહારના મહાગઠબંધનની સૌથી મોટી પાર્ટી આરજેડીએ શનિવારે લોકસભાની ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો અને તેમાં યુવાનો માટે એક કરોડ સરકારી નોકરીઓ અને ગરીબ ઘરની છોકરીઓને દરવર્ષે રૂ. એક લાખ રક્ષાબંધન પેટે આપવાની વાત કરવામાં આવી છે.
ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે આરજેડીનો ચૂંટણી ઢંઢેરો ‘પરિવર્તન પત્ર’ બહાર પાડતાં કહ્યું હતું કે પાર્ટી 2024ની ચૂંટણી માટે 24 જન વચન આપી રહી છે અને આ બધા વચનો પૂરા કરવામાં આવશે.
જો ઈન્ડી ગઠબંધન કેન્દ્રમાં સત્તામાં આવશે તો આરજેડી સુનિશ્ર્ચિત કરશે કે દેશના બેરોજગાર યુવાનો માટે એક કરોડ સરકારી નોકરીઓ ઊભી કરવી અને આની પ્રક્રિયા સ્વાતંત્ર્ય દિનથી શરૂઆત કરવામાં આવશે અને આ ઝુંબેશનું નામ બેરોજગારી સે આઝાદી આપવામાં આવશે.
બેરોજગારી આપણો સૌથી મોટો શત્રુ છે, પરંતુ ભાજપના નેતાઓ તેના પર ક્યારેય બોલતા નથી. તેમણે બે કરોડ રોજગાર આપવાની વાત કરી હતી, પરંતુ અમે અમારું વચન પૂર્ણ કરીશું.
આ વર્ષે રક્ષા બંધન નિમિત્તે ગરીબ પરિવારની બહેનોને વાર્ષિક રૂ. એક લાખ આપવામાં આવશે, એમ પણ તેમણે કહ્યું હતું.
આ ચૂંટણી ઢંઢેરામાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના અને એલપીજીનું સિલિન્ડર રૂ. 500માં આપવાની વાત પણ કરવામાં આવી છે.
તેમણે પુર્નિયા, ભાગલપુર, મુઝફ્ફરપુર, ગોપાલગંજ અને રક્ષૌલ ખાતે એરપોર્ટ બાંધવાની અને બિહારના લોકોને 200 યુનિટ મફત વીજળી આપવાની, અગ્નિવીર યોજના રદ કરવાની વાતો કરી હતી. (પીટીઆઈ)