નેશનલ

RJD ચીફ લાલુ યાદવની EDએ 9 કલાકથી વધુ પૂછપરછ કરી, પુત્રીએ કહ્યું, ‘જો મારા પિતાને કઈ થયું તો…’

પટણા: કથિત ‘નોકરી માટે જમીન કૌભાંડ’ કેસમાં RJD નેતાની પૂછપરછ કરવા માટે દિલ્હીથી એજન્સીના અધિકારીઓની એક ટીમ રવિવારે પટના પહોંચી હતી. 19 જાન્યુઆરીએ કેન્દ્રીય તપાસ એજન્સીએ લાલુ અને તેમના પુત્ર તેજસ્વી યાદવને આ કેસના સંબંધમાં પૂછપરછ માટે નવેસરથી સમન્સ જારી કર્યા હતા. પટનામાં આરજેડી ચીફની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરે ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા. ED એ તાજેતરમાં જ આ કેસમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી.

RJD ચીફ લાલુ યાદવની EDની પૂછપરછ ખતમ થઈ ગઈ છે. EDએ તેમને નવ કલાકથી વધુ સમય સુધી સવાલ-જવાબ કર્યા હતા. પૂછપરછ દરમિયાન RJD સાંસદ અને તેમની પુત્રી મિસા ભારતી સહિત ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ ત્યાં હજાર રહ્યા હતા. આ તપાસ ‘લેન્ડ ફોર જોબ કૌભાંડ’માં કરવામાં આવી છે. તપાસના સમય પર સવાલો ઉઠી રહ્યા છે. રવિવારે (28 જાન્યુઆરી) નીતીશ કુમારે બિહારમાં મહાગઠબંધનથી અલગ થયા બાદ નવમી વખત સીએમ તરીકે શપથ લીધા હતા. બીજા દિવસે 29 જાન્યુઆરીએ પૂર્વ સીએમ લાલુ યાદવ પટનામાં ED સમક્ષ હાજર થયા હતા. મંગળવારે 30 જાન્યુઆરીએ EDએ તેજસ્વી યાદવને પૂછપરછ માટે બોલાવ્યા છે. તેજસ્વી યાદવ લાલુ યાદવના પુત્ર છે અને મહાગઠબંધન સરકારમાં ડેપ્યુટી સીએમ હતા.

લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ કહ્યું કે જો પિતાને કંઈ થશે તો તેના માટે ED અને CBI જવાબદાર રહેશે. તમને જણાવી દઈએ કે લાલુ યાદવનું વર્ષ 2022માં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. તેમની પુત્રી રોહિણી આચાર્યએ તેમની કિડનીનું દાન કર્યું હતું. જ્યારે તેમની અન્ય પુત્રી મિસા ભારતી પણ હાજર હતી અને તે સવારે 11.05 વાગ્યે ED ઓફિસ પહોંચી હતી. લાલુ યાદવને ED ઓફિસમાં દાખલ કર્યા પછી મીસા ભારતીએ કહ્યું, “જ્યારે પણ કોઈ કેન્દ્રીય તપાસ એજન્સી અમારા પરિવારના કોઈપણ સભ્યને પૂછપરછ માટે બોલાવે છે, ત્યારે અમે ત્યાં જઈએ છીએ અને તેમને સહકાર આપીએ છીએ અને તેમના તમામ પ્રશ્નોના જવાબ આપીએ છીએ.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button