વરસાદમાં આ કોણ પહોંચ્યું સજોડે અક્ષરધામ?
નવી દિલ્હીઃ અત્યારે દિલ્હીમાં દુનિયાભરના નેતાઓ G 20માં ભાગ લેવા આવ્યા છે. દરમિયાન સૌથી વધુ કોઈની ચર્ચા થઈ રહી હોય તો તે છે બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકની. ઋષિ સુનકનું ભારત સાથે ખાસ કનેક્શન છે અને આ જ કારણે સૌની નજર તેમના પર ટકી રહેલી છે. ઋષિ સુનક એ ભારતના જમાઈ છે. અન્ય દેશોના વડાની જેમ જી-20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનના વડા પ્રધાન બન્યા બાદ આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે.

તમારી જાણ માટે કે બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે ગઈ કાલે G 20ની બેઠકમાં ભાગ લીધો હતો. સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે ભારતની મુલાકાતે આવ્યા છે અને તેમણે આજે એટલે કે 10મી સપ્ટેમ્બરના રોજ દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. દિલ્હીમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ વચ્ચે સુપર કપલ મંદિર પહોંચ્યું હતું. સ્વામિનારાયણ મંદિરના મુખ્ય પૂજારીએ બંનેનું સ્વાગત કર્યું હતું અને ત્યાર બાદ તેમને મુખ્ય મંદિરમાં લઈ જઈ પૂજા અર્ચના કરી હતી.

ઋષિ અને તેમની પત્ની 45 મિનિટ સુધી મંદિરમાં રોકાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે મુખ્ય મંદિરની પાછળ આવેલા અન્ય મંદિરમાં જળાભિષેક કર્યો હતો. બ્રિટિશ પીએમએ સુરક્ષા માટે મંદિરની અંદર અને બહાર સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટિશ પીએમ ઋષિ સુનકે શનિવારે 9 સપ્ટેમ્બરે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાની માહિતી આપી હતી. ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે મને હિન્દુ હોવા પર ગર્વ છે.

મારો એ જ રીતે ઉછેર થયો છે. મેં રક્ષાબંધનની ઉજવણી કરી પણ સમયના અભાવે હું જન્માષ્ટમી ઉજવી શક્યો નહોતો પણ આશા રાખું છું કે મંદિરમાં દર્શન કરીને હું જન્માષ્ટમીની ઉજવણી કરી શકીશ. વિશ્વાસ જ આપણને શક્તિ આપે છે.