‘કોંગ્રેસના સ્વભાવમાં રમખાણો અને ભ્રષ્ટાચાર’, વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાજાપુરમાં જાહેરસભાને સંબોધતા કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હુલ્લડ અને ગુંડાગીરી કોંગ્રેસની પ્રકૃતિ છે. મધ્યપ્રદેશના શાજાપુરમાં રાહુલ ગાંધી તરફ ઈશારો કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના એક મહાન વિદ્વાન આ દિવસોમાં એમપીમાં ફરે છે. આ મહાજ્ઞાની જેવા લોકોની વિચારસરણીએ દેશનો નાશ કર્યો.
કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ લગાવતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ જ્યાં પણ આવી, ત્યાં તેણે વિનાશ વેર્યો છે. કોંગ્રેસ ખેડૂતો, યુવાનો અને મહિલાઓની દુશ્મન છે. તે જે પણ કરે છે, તે એક પરિવારના નામે કરે છે. કોંગ્રેસને તમારા પરિવારોની કોઈ ચિંતા નથી. આજે સમગ્ર એમપી કહી રહ્યું છે કે ફરી એકવાર ભાજપ સરકાર.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પાસે તમને આપવા માટે માત્ર નિરાશા, વિરોધ અને નકારાત્મકતા છે. કોંગ્રેસ તેના સ્વભાવથી રમખાણો અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. દેશમાં કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસના કારનામાને ભૂલી શકે નહીં. ભાજપે મધ્યપ્રદેશને ઊંડા કૂવામાંથી બહાર કાઢ્યું છે.
નવા મતદારોને સલાહ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું, મધ્યપ્રદેશે ખૂબ જ સાવચેત રહેવું પડશે. જે લોકો પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે, તેમના માટે ભૂતકાળના ઇતિહાસને જાણવું મહત્વપૂર્ણ છે. ફક્ત તમારા માતાપિતાને પૂછો કે તેઓ કેવા મુશ્કેલ જીવનમાંથી પસાર થયા છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે 3 ડિસેમ્બરે જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે દેશ બીજી વખત દિવાળી ઉજવશે. મધ્યપ્રદેશમાં ભાજપની આંધી લોકોના જબરદસ્ત સમર્થનથી કોંગ્રેસને ઉખાડી નાખશે.