
લખનઉ: ભારતના વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીના યુવા સાંસદ પ્રિયા સરોજ લગ્ન બંધને (Rinku Singh- Priya Saroj Wedding) જોડવાના છે. પ્રિયાના પિતા તૂફાની સરોજે બંનેના લગ્ન અંગે માહિતી આપી હતી. તૂફાની સરોજે કહ્યું કે તેમના પરિવારે અલીગઢમાં રિંકુના પિતા સાથે લગ્ન વિશે વાત કરી છે અને બંને પક્ષ લગન માટે તૈયાર છે. હજુ સુધી કોઈ સગાઈની વિધિ થઇ નથી.
જોડી સારી લાગી રહી છે:
પ્રિયાના પિતા તૂફાની સરોજ ત્રણ વખત સાંસદ અને હાલ વિધાન સભ્ય છે. તૂફાની સરોજે કહ્યું, “રિંકુ અને પ્રિયા એકબીજાને એક વર્ષથી વધુ સમયથી ઓળખે છે. બંને એકબીજાને પસંદ કરે છે પણ લગ્ન માટે પરિવારની સંમતિ જરૂરી હતી. બંને પરિવારો આ લગ્ન માટે તૈયાર છે. જોડી ખૂબ સારી લાગી રહી છે. રિંકુ ખૂબ જ સારો ક્રિકેટર છે. અમે તેના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવીએ છીએ. મારી દીકરી ખૂબ શિક્ષિત છે. તે સાંસદ તરીકે સારું કામ કરી રહી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પણ તેમના કામના ખૂબ વખાણ કરે છે.”
ક્યારે થશે સગાઇ અને લગ્ન:
અહેવાલ મુજબ સંસદનું બજેટ સત્ર સમાપ્ત થયા પછી રીંકુ અને પ્રિયાની સગાઈ થશે. સગાઈ સમારોહ લખનઉમાં યોજાશે, ત્યાર બાદ લગ્ન પણ લખનઉમાં જ થશે. લગ્ન પછી, રિસેપ્શન જૌનપુર અને અલીગઢ બંનેમાં યોજવામાં આવી શકે છે.
અહેવાલ અનુસાર અનુસાર, બંનેના પરિવારો અલીગઢમાં રિંકુના ઘરે મળ્યા હતા. બંને પરિવારો વચ્ચે ભેટોની આપ-લે થઇ હતી અને સંબંધ નક્કી કરવામાં આવ્યો હતો. પ્રિયા સરોજ વારાણસીની રહેવાસી છે અને લાંબા સમયથી સપા સાથે જોડાયેલી છે. તેણે ગયા વર્ષે જૌનપુર જિલ્લાની મછલીશહર બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતી હતી.
આ પણ વાંચો…મુશ્કેલીમાં બાબા રામદેવ, કેરળ કોર્ટે જારી કર્યુ વોરંટ
રીંકુ ઇંગ્લેન્ડ સામે રમતો જોવા મળશે:
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત અને ઇંગ્લેન્ડ T20I અને ODI સિરીઝ રમાવાની છે. T20 સિરીઝ 22મી જાન્યુઆરીથી શરૂ થશે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રિંકુ સિંહને પણ તક મળી છે. ત્યાર બાદ રીંકુ IPLમાં જોવા મળશે.