કૉંગ્રેસની લૂંટ ચલાવવાનું લાઈસન્સ મેં રદ કર્યું: નરેન્દ્ર મોદી
ભ્રષ્ટ કૉંગ્રેસે ગરીબોની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું ન હોવાનો દાવો કર્યો
રાયપુર/જગદાળપુર/ચંદ્રપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિપક્ષ કૉંગ્રેસની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે આઝાદી મળી ત્યારથી કૉંગ્રેસે ગરીબોની જરૂરિયાતો પ્રત્યે દાયકાઓથી દુર્લક્ષ કર્યું હતું અને ક્યારેય ગરીબોની પીડાને સમજી શક્યા નથી.
છત્તીસગઢના બસ્તર જિલ્લામાં ભાજપની વિજય સંકલ્પ શંખનાદ રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી માટેના કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લીમ લીગની છાપ જોવા મળે છે. કૉંગ્રેસના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર દેશની ઓળખ બની ગયો હતો અને એ પાર્ટીને લાગતું હતું કે તેમની પાસે લૂંટનું લાઈસન્સ છે.
આઝાદીથી કૉંગ્રેસે ગરીબોની જરૂરિયાતો પ્રત્યે દાયકાઓથી દુર્લક્ષ કર્યું હતું. તેઓ ગરીબોની પીડાને ક્યારેય સમજી શક્યા નહોતા, એમ જણાવતાં વડા પ્રધાને ઉમેર્યું હતું કે કોરોના રોગચાળા વખતે લોકો કહેતા હતા કે ગરીબોનું શું થશે? ત્યારે મેં કહ્યું હતું કે હું ગરીબોને મફતમાં વેક્સિન (રસી) અને રેશન આપીશ.
આ પણ વાંચો : આ છે પ્રથમ તબક્કાના ધનકુબેર! કમલનાથના પુત્ર નકુલનાથથી લઈને જ્યોતિ મિર્ધાનું નામ પણ, જુઓ કોણ છે ટોપ-10માં
તેમણે એમ પણ કહ્યું હતું કે મારી સરકારના પ્રયાસોને કારણે દેશમાં પચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવી ગયા છે. કૉંગ્રેસના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ ખુદ કબૂલ કર્યું હતું કે વિકાસના કામ માટે ફાળવવામાં આવેલા એક રૂપિયામાંથી ફક્ત પંદર પૈસા નીચે સુધી પહોંચે છે. જો અત્યારે કૉંગ્રેસની સરકાર હોત તો તે પંદર પૈસાની પરંપરા પણ ચાલુ રહી હોત. તો અત્યારે દેશના વિકાસ કામ માટે ફાળવવામાં આવેલા રૂ. 34 લાખ કરોડમાંથી રૂ. 28 લાખ કરોડની ઉચાપત થઈ ગઈ હોત.
તેમણે એમ પણ કહ્યું હતું કે આ લૂંટ રોકવામાં આવી હોવાથી તેમને ગાળો આપવાનું અને શ્રાપ આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ કરોડો દેશવાસીઓ, માતાઓ અને બહેનો મારું રક્ષા કવચ બની ગયા છે.
આ પણ વાંચો : વાયનાડમાં ચૂંટણી જીતવા માટે રાહુલ ગાંધીએ પીએફઆઈની મદદ લીધી: સ્મૃતિ ઈરાની
ભ્રષ્ટાચાર સામે આકરાં પગલાં લેવામાં આવ્યા હોવાથી અન્ય પાર્ટીના લોકો કહી રહ્યાં છે કે મારું માથું લાકડીઓથી ફોડી નાખવું જોઈએ. મોદી આવી બધી ધમકીઓથી ડરતો નથી. મોદી માટે મારો દેશ જ મારો પરિવાર છે. હું મારા દેશને અને મારા પરિવારને લૂંટથી બચાવવામાં વ્યસ્ત છું. હું કહું છું કે ભ્રષ્ટાચાર હટાઓ, જ્યારે તેઓ કહે છે કે ભ્રષ્ટાચારી બચાવો એમ વડા પ્રધાને કહ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે રામ નવમી ગણતરીના દિવસો દૂર છે, જોકે આ વખતે લોકોને રામ લલ્લાના દર્શન કરવા મળશે. (પીટીઆઈ)