તેલંગાણામાં રેવંત રેડ્ડી આજે લેશે મુખ્ય પ્રધાન પદ માટે શપથ: સોનિયા-રાહુલ સહિત અને મોટા નેતા રહેશે હાજર

હૈદરાબાદ: કોંગ્રેસના નેતા અનુમુલા રેવંત રેડ્ડી આજે તેલંગાણાના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. 56 વર્ષના રેવંત રેડ્ડીનો શપથ ગ્રહણ કાર્યક્રમ બપોરે 1.04 મિનિટે એલબી સ્ટેડિયમમાં યોજાશે. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ છે. શપથ ગ્રહણ સમારંભમાં વિવિધ ગઠબંધનના કેટલાંક નેતાઓ પણ ભાગ લઇ શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રેવંત રેડ્ડી સહિત અન્ય છ નેતાઓ પણ રાજ્ય પ્રધાન તરીકે શપથ લઇ શકે છે. જોકે કોંગ્રેસ આ બાબતે હજી કોઇ ઔપચારિક જાહેરાત કરી નથી. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઓછામાં ઓછા પાંચથી છ પ્રધાનો ગુરુવારે શપથ લેશે. શપથ લેનારા સંભવિત ઉમેદવારોમાં ભટ્ટી વિક્રમાર્ક, સીતાક્કા, ઉત્તમ કુમાર, પોન્નમ પ્રભાકર, શ્રીધર બાબૂ અને થુમ્મલા નાગેશ્વરનું નામ સામેલ છે. શપથ કાર્યક્રમમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા, નાયબ મુખ્ય પ્રધાન ડી.કે. શિવકુમાર પણ સામેલ થઇ શકે છે.
રાજ્યના પોલિસ અધિકારીએ રવિ ગુપ્તાએ કહ્યું કે અહીં અવર-જવર માટે યોગ્ય સુવિધાઓ કરવામાં આવી છે. જેથી સામાન્ય લોકોને કોઇ તકલીફ ના પડે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમમાં બહારથી આવનારા કેટલાંક વીવીઆઇપી રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. તથા કેટલાંક બેગમપેટે એરપોર્ટ પર ઉતરશે. આ તમામ મહેમાનોની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ જેમકે મમતા બેનર્જી, શરદ પવાર, નીતિશ કુમાર, સ્ટેલીનમાંથી કોઈપણ હાજર રહેશે કે કેમ એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યારે આ અંગે પણ અનેક અટકળો થઈ રહી છે.