રેવંત રેડ્ડીને શિરે મુખ્યપ્રધાન પદનો તાજ, રાહુલ ગાંધીએ કહ્યું, ‘નિર્ણય લેવાઇ ગયો છે’
નવી દિલ્હી/હૈદરાબાદ: ત્રણેય રાજ્યોમાં કારમી હારનો સામનો કર્યા બાદ છેવટે તેલંગાણામાં કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. પાર્ટી તરફથી હવે મુખ્યપ્રધાન પદને લઇને મંથન ચાલી રહ્યું છે. જો કે તાજેતરમાં જ રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું છે કે, ‘નિર્ણય લેવાઇ ગયો છે, મુખ્યપ્રધાનપદ માટે રેવંત રેડ્ડીની પસંદગી કરવામાં આવી છે.’
મળતી માહિતી મુજબ રેવંત રેડ્ડીને તેલંગાણાના મુખ્યપ્રધાન બનાવવાનો નિર્ણય દિલ્હીમાં એક બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. જેમાં રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ અને અન્ય લોકો સામેલ હતા. 54 વર્ષીય રેવંત રેડ્ડીનું નામ પહેલેથી જ મુખ્યપ્રધાન પદની રેસમાં હતું. જો કે તેલંગાણાના ઘણા વરિષ્ઠ નેતાઓએ તેમની સામે વાંધો જતાવ્યો હતો. એન ઉત્તમ કુમાર રેડ્ડી, ભૂતપૂર્વ CLP નેતા ભટ્ટી વિક્રમાર્કા, ભૂતપૂર્વ પ્રધાન કોમાટીરેડ્ડી વેંકટ રેડ્ડી, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન દામોદર રાજનરસિમ્હાએ પણ રેવંત રેડ્ડીના નામનો વિરોધ કર્યો હતો.
વર્ષ 2021માં જ્યારે રેવંત રેડ્ડીને તેલંગાણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદની કમાન સોંપવામાં આવી ત્યારે પણ તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ટીડીપીમાંથી કોંગ્રેસમાં આવેલા રેડ્ડી પર ચૂંટણી દરમિયાન અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા. તેમના પર પૈસા લઇને ટિકિટ વહેંચવાનો પણ આરોપ હતો. જો કે રેડ્ડીના કાર્યોને કારણે તેલંગાણામાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત બની હતી. નિષ્ણાતો માને છે કે તેલંગાણામાં કોંગ્રેસના 64 ધારાસભ્યોમાંથી 42 રેડ્ડીના વફાદાર છે. જેથી કોંગ્રેસ જો ખરેખર રેવંતની પસંદગી કરે તો તે ફાયદામાં જ છે.