પાંચ મહિના બાદ પહેલી વાર ભારતીય પતિ અરવિંદને મળી અંજુ, કહ્યું- હવે અમે બંને સાથે…..
નવી દિલ્હીઃ જુલાઈમાં વિઝા લઈને પાકિસ્તાન ગયેલી સતત ચર્ચામાં રહી છે. અંજુ નવેમ્બરમાં ભારત પરત આવી હતી. ત્યાર બાદ તે એક પછી એક ઈન્ટરવ્યુ આપતી અને પોતાના વિચારો વ્યક્ત કરતી જોવા મળી રહી છે.
હવે એમ કહેવામાં આવી રહ્યું છે કે અંજુ 5 મહિના પછી પહેલીવાર અરવિંદને મળી છે. અંજુએ એમ પણ કહ્યું છે કે તેના માટે સૌથી મહત્વની બાબત તેના બાળકોનું ભવિષ્ય છે અને તે તેના માટે કંઈ પણ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંજુનું કહેવું છે કે તે તેના ભારતીય પતિ અરવિંદને મળી તો છે, પરંતુ માત્ર બાળકોના ખાતર જ અને બંને વચ્ચે જે પણ વાતચીત થઈ હતી તે માત્ર બાળકો વિશે હતી. બીજી તરફ, અરવિંદે પણ અંજુ સાથેના તેમના મુદ્દાને અંગત મામલો ગણાવ્યો છે અને કહ્યું છે કે અમે બંને બાળકોનો ખર્ચ એકસાથે ઉઠાવીશું. તેણે એમ પણ કહ્યું હતું કે તેની અને અંજુ વચ્ચેની વાતચીત માત્ર તેમના બાળકો વિશે જ થઇ હતી.
એમ પણ જાણવા મળી રહ્યું છે કે અંજુએ સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ ખરાબ બોલનારાઓને ધમકી આપી છે અને કહ્યું છે કે તે તેમની વિરુદ્ધ કેસ કરશે. અંજુએ કહ્યું છે કે તેની પાસે એવા લોકોની સંપૂર્ણ યાદી છે, જેમણે તેની સાથે અન્યાય કર્યો છે અને તેમની સામે તે કેસ કરવાનું વિચારી રહી છે. મળતી માહિતી મુજબ અંજુ અરવિંદને તેના વકીલ જેએસ સરોહાના ઘરે મળી હતી. આ દરમિયાન અરવિંદે કહ્યું હતું કે આ તેમનો પરસ્પર મામલો છે અને આ અંગે કોઈએ કંઈ ન બોલવું જોઈએ. અરવિંદે કહ્યું હતું કે અંજુ સાથે હજુ સુધી છૂટાછેડા અંગે કોઈ વાત થઈ નથી.
અંજુના વકીલે કહ્યું હતું કે બંને પક્ષો વચ્ચેના મતભેદો દૂર થઈ ગયા છે અને તેઓ બાળકોના ભવિષ્ય માટે સારો નિર્ણય લેવા માંગે છે. આ સાથે તેણે એ પણ કહ્યું કે તે એવા તમામ લોકો સામે માનહાનિનો કેસ દાખલ કરવા માંગે છે જેમણે તેની છાપ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. સાથે રહેવાના પ્રશ્ન પર તેણે કહ્યું હતું કે, તે અલગ જ રહેશે. બાળકો તેમની ઇચ્છા મુજબ માતા કે પિતા કોઈની પણ સાથે રહી શકે છે.