ટોપ ન્યૂઝનેશનલ

અટારી બોર્ડર પર આવતીકાલથી ફરી શરૂ થશે રિટ્રિટ સેરેમની: BSFએ લીધો નિર્ણય

નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધમાં ખટાશ આવી છે અને બંને દેશ વચ્ચે તણાવભરી સ્થિતિ છે. આ દરમિયાન ભારતે અનેક મોટા નિર્ણયો લીધા હતા. સિંધુ જળ સમજૂતી મોકૂફ, પાકિસ્તાનીઓને દેશ છોડવાનો આદેશ તેમજ વાઘા અટારી બોર્ડર બંધ સહિત અનેક મોટા નિર્ણયો લીધા હતા. જો કે હવે 10 મે બાદ બંને દેશ વચ્ચે યુદ્ધવિરામને લઈને બનેલી સહમતી બાદ હવે અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સેરેમનીની શરૂઆતના સમાચાર મળી રહ્યા છે.

20 મેથી શરૂ થશે બીટિંગ રિટ્રીટ સેરેમની

મળી રહેલી વિગતો અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને પગલે 7 મેથી સ્થગિત કરવામાં આવેલી બીટિંગ રિટ્રીટ સેરેમનીને બીએસએફ ફરી એકવાર 20 મેથી શરૂ કરવા જઈ રહી છે. અમૃતસરના અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની 20 મે એટલે કે મંગળવારથી ફરી શરૂ થશે. સેરેમનીનો સમય સાંજે 6:00 વાગ્યે રહેશે. પરંતુ બીએસએફે નક્કી કર્યું છે કે હવે સમારોહ દરમિયાન ન તો ગેટ ખોલવામાં આવશે અને ન તો હાથ મિલાવવામાં આવશે. બીટિંગ રિટ્રીટ સેરેમની 1959થી બંને દેશો વચ્ચે એક પરંપરા રહી છે.

પાછા લાવવામાં આવ્યા ગુરુ ગ્રંથ સાહિબ

બીજી તરફ ભારત-પાકિસ્તાન સરહદની નજીક આવેલા અમૃતસરના રાજાતાલ ગામ અને તરનતારનના નૌશેરા ઢલ્લા ગામના ગુરુદ્વારાઓમાં 105 શ્રી ગુરુ ગ્રંથ સાહિબને પાછા લાવવામાં આવી રહ્યા છે. હવે પાકિસ્તાન સાથે જોડાયેલા ભારતીય જિલ્લાઓમાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. એવામાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબને પાછા લાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ દરમિયાન ગુરુ ગ્રંથ સાહિબને અહીંથી પાડોશી જિલ્લાઓના વિવિધ ગુરુદ્વારાઓમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો….પહેલગામ હુમલાનો જવાબ, “સિંધુ જળ સમજૂતી મોકૂફ, અટારી બોર્ડર બંધ, પાકિસ્તાની નાગરિકો 48 કલાકમાં ભારત છોડે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button