મસ્જિદમાં અઝાન આપવા ગયેલા રિટાયર્ડ એસએસપીની ગોળી મારીને હત્યા..
જમ્મુ કાશ્મીર: બારામુલ્લા જિલ્લામાં એક રિટાયર્ડ એસએસપીની ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે. શંકાસ્પદ આતંકીઓ ગોળી માર્યા બાદ તરત ફરાર થઇ ગયા હતા. ઉપરાંત તેમણે મસ્જીદ પર પણ ગોળી ચલાવી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં આતંકી હુમલા વધી રહ્યા છે. તાજેતરમાં પૂંછમાં સેનાના વાહન પર છુપાઇને હુમલો કર્યા બાદ હવે આતંકવાદીઓ પોલીસકર્મીઓને નિશાન બનાવી રહ્યા છે.
કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પર આ ઘટનાની માહિતી આપતા કહ્યું હતું કે આતંકવાદીઓએ શીરી બારામુલાના ગાંટમુલાના રહેવાસી મોહમ્મદ શફી પર હુમલો કર્યો હતો. નિવૃત્ત એસએસપી પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. તેમના પર આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ મસ્જિદમાં અઝાન આપી રહ્યા હતા. ગોળી વાગવાને પગલે ઘટનાસ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું. હુમલા બાદ તપાસ માટે જમ્મુ-કાશ્મીર પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. લોકોને આ વિસ્તારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં આતંકી હુમલાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે આતંકવાદીઓએ કેન્દ્રશાસિત પ્રદેશના પૂંચ જિલ્લામાં સૈન્યના જવાનોને ઘેરી લઇ સર્ચ ઓપરેશન સાઇટ પર જઈ રહેલા વાહનો પર હુમલો કરી દીધો હતો.
આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ કૃત્યમાં સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા, જ્યારે ત્રણ જવાનો ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર કેટલાક સૈનિકોના હથિયારો પણ લૂંટી લેવામાં આવ્યા હતા.
પૂંચમાં થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં પૂછપરછ માટે લાવવામાં આવેલા ત્રણ લોકોના પણ મોત થયા છે, જેને પગલે એક નવો વિવાદ ઉભો થયો છે. ભારતીય સેનાએ જે ત્રણ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા તેમના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં આ શંકાસ્પદ લોકોને ટોર્ચર કરતા બતાવવામાં આવ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજુ સુધી આ મામલે સેના અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ દ્વારા કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
સાવચેતીના પગલા તરીકે પૂંચ અને રાજૌરી જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. અફવાઓ ફેલાતી અટકાવવા અને બેફામ તત્વોને કાયદો અને વ્યવસ્થા ખોરવતા અટકાવવા માટે આ કરવામાં આવ્યું છે. શાંતિ જાળવવા માટે જિલ્લાઓના સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.