વૃંદાવનના બાંકે બિહારી મંદિરનો વહીવટ હવે નિવૃત્ત જજ સંભાળશેઃ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા પ્રખ્યાત બાંકે બિહારી મંદિર પર વહીવટી નિયંત્રણ અંગે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમ પર સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી રોક લગાવી હતી, જ્યાં સુધી હાઇ કોર્ટ તેની બંધારણીય માન્યતા પર કોઈ નિર્ણય ના કરે.
જસ્ટિસ સૂર્યકાંત અને જૉયમાલ્યા બાગચીની બેન્ચે ઉત્તર પ્રદેશ શ્રી બાંકે બિહારી જી ટેમ્પલ ટ્રસ્ટ ઓર્ડિનન્સ 2025 અને વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી ટેમ્પલ કોરિડોર વિકસાવવાની રાજ્યની મહત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપતા પંદરમી મેના આદેશને પાછો ખેંચવા સંબંધિત અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
બેન્ચે કહ્યું હતું કે તે સંકલન બેન્ચના 15 મેના આદેશમાં સુધારો કરશે, જેમાં ભક્તો માટે ‘હોલ્ડિંગ એરિયા’ વિકસાવવા માટે દેવતાના નામે પાંચ એકર જમીન સંપાદન કરવા માટે મંદિર ભંડોળનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
આપણ વાંચો: બાંકે બિહારી મંદિર માટે આગ્રાના વેપારીએ કહ્યું હું તમામ ખર્ચ ઉઠાવીશ, કોર્ટે કહ્યું વિવાદ જ ખતમ…
કોર્ટે કહ્યું હતું કે તે મંદિરના દૈનિક સંચાલન માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરશે, જેનું નેતૃત્વ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરશે અને તેમાં સ્થાનિક વહીવટી અધિકારીઓ અને ગોસ્વામી સમુદાયના સભ્યો પણ શામેલ હશે.
બેન્ચે કહ્યું હતું કે, “જ્યાં સુધી હાઇ કોર્ટ તેની માન્યતા પર નિર્ણય ન લે ત્યાં સુધી અમે આ વટહુકમને સ્થગિત રાખીશું. સુપ્રીમ કોર્ટમાં વટહુકમને પડકારતી અરજીઓ પણ હાઇ કોર્ટમાં મોકલવામાં આવશે.”
કોર્ટે અરજદારોને કહ્યું હતું કે ઉચ્ચ સ્તરીય સમિતિને મંદિરમાં આવતા લાખો ભક્તો માટે મૂળભૂત સુવિધાઓમાં સુધારો કરવાનો અને ખરીદી સુનિશ્ચિત કરવાનો અધિકાર રહેશે.
સુપ્રીમ કોર્ટ વટહુકમને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી હતી. આ અરજીઓમાંથી એક અરજી ઠાકુર શ્રી બાંકે બિહારી જી મહારાજ મંદિર અને મથુરાની વ્યવસ્થાપન સમિતિ વતી એડવોકેટ તન્વી દુબે દ્વારા દાખલ કરવામાં આવી છે.
આપણ વાંચો: અલહાબાદ હાઈ કોર્ટે મથુરા મંદિર માટે આપ્યો આ મોટો ચુકાદો…
સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજે જણાવ્યું હતું કે અલાહાબાદ હાઇ કોર્ટે તાજેતરમાં એક આદેશ આપ્યો હતો અને તેમાં વટહુકમ સામે તીખી ટિપ્પણી કરવામાં આવી છે, જેના પર રોક લાગવી જોઈએ. સુપ્રીમ કોર્ટે હાઇ કોર્ટના 21 જૂલાઈ અને 6 ઓગસ્ટના આદેશોને રદ કરતા ત્યાંના મુખ્ય ન્યાયાધીશને વટહુકમની માન્યતા સંબંધિત બાબતોની સુનાવણી કરવા વિનંતી કરી હતી.
નોંધનીય છે કે 6 ઓગસ્ટના રોજ એક પીઆઈએલની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકારનું આ પગલું ‘પાપ’ જેવું છે, જેમાં વૈધાનિક ટ્રસ્ટ બનાવીને મંદિરનું સંચાલન પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે પાંચમી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ વટહુકમનો હેતુ મથુરાના વૃંદાવનમાં સ્થિત બાંકે બિહારી મંદિરની વધુ સારી વહીવટી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે. રાજ્ય સરકારે દૈનિક બાબતોનું સંચાલન કરવા માટે હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળની સમિતિના સૂચનને પણ ટેકો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે અગાઉ પણ ટિપ્પણી કરી હતી કે 15 મેના રોજ મંદિર કોરિડોર પ્રોજેક્ટને આપવામાં આવેલી મંજૂરીને સ્થગિત કરવામાં આવી શકે છે કારણ કે મહત્વપૂર્ણ હિસ્સેદારોને સાંભળવામાં આવ્યા ન હતા.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની દલીલ સ્વીકારી કે બાંકે બિહારી મંદિરમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ ફક્ત મંદિરની આસપાસ પાંચ એકર જમીન ખરીદીને ‘હોલ્ડિંગ એરિયા’ બનાવવા માટે જ કરવો જોઈએ. જોકે, કોર્ટે કહ્યું કે મંદિર અને કોરિડોરના વિકાસ માટે સંપાદિત કરવામાં આવનારી જમીન દેવતા અથવા ટ્રસ્ટના નામે હોવી જોઈએ.