અમદાવાદઃ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ બેંકોને રવિવારના દિવસે પણ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. જોકે સામાન્ય સંજોગોમાં જાહેર જનતા માટેના કામકાજ આ દિવસે થતાં નથી, પંરતુ બેંકના આંતરિક કામકાજ માટે રવિવારે ખુલ્લી રાખવામાં આવે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એક્સ પર એક ટ્વિટ દ્વારા આ માહિતી આપી છે. આરબીઆઈએ કહ્યું કે, 31 માર્ચ, 2024ના રોજ રવિવાર હોવા છતાં તમામ બેંકો ખુલી રહેશે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24નો છેલ્લો દિવસ હોવાથી આ નિર્ણય લેવાયો છે.
આ દિવસે જે કંઈ જરૂરી કામકાજ હોય તે કરવાના રહેશે. બેંક પોતાના નિયત સમયે ખુલશે અને બંધ રહેશે, તેમ આરબીઆઈએ જણાવ્યું હતું. જોકે સ્ટોક માર્કેટ બંધ રહેશે.
અગાઉ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પોતાની તમામ ઓફિસ ખુલ્લી રાખવાની જાહેરાત કરી હતી. વિભાગે ગુડ ફ્રાઈડેની રજા સહિત તમામ શનિવાર અને રવિવારની રજા પણ કેન્સલ કરી દીધી હતી. ગુડ ફ્રાઈડે 29 માર્ચે છે. 30 માર્ચે શનિવાર અને 31 માર્ચે ફરી રવિવાર છે. એટલા માટે 3 દિવસની લાંબી રજા પડી રહી હતી. તેનાથી નાણાકીય વર્ષના અંતમાં વિભાગના અનેક કામ અટકી પડવાની પૂરી સંભાવના છે. 31 માર્ચે નાણાકીય વર્ષ 2023-24 પૂરું થવાનું છે.