તમિળનાડુના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી પુરજોશમાં

બચાવ કામગીરી: ટૂટિકોરિન જિલ્લામાં ભારે વરસાદ બાદ નિર્માણ પામેલી પૂરની પરિસ્થિતિમાં બચાવ કામગીરી કરી રહેલી એનડીઆરએફની ટુકડી. (એજન્સી)
ચેન્નઈ : દક્ષિણતમિળનાડુના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સંરક્ષણ, નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોેન્સ ફોર્સની ટીમો સાથે મળીને રાહત અને બચાવ કામગીરી કરી રહી છે અને હેલિકોપ્ટરની મદદથી ફૂડ પેકેટ દેવાઈ રહ્યા છે, એવી માહિતી સરકારના ટોચના અધિકારીએ આપી હતી. પત્રકારો સાથે વાતચીત કરતાં વડા સચિવ શિવદાસ મીનાએ કહ્યું હતું કે અત્યાર સુધી ૧૦,૦૮૨ લોકોને બચાવીને તેમને ૧૦૦થી વધારે રાહત શિબિરમાં આશ્રય દેવાયો છે. શાળાઓ અને પબ્ેિલક હૉલમાં રાહત શિબિર ઊભી કરાઈ છે અને ત્યાં પીવાના પાણી, દૂધ અને બીજી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. લશ્કર અને નૌકાદળના ૧૬૮ જવાનો અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોેન્સ ફોર્સ (એનડીઆરએફ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોેન્સ ટીમના ૧૧૦૦ નિષ્ણાત કર્મચારી હોડીની મદદથી બચાવ કામગીરી કરી રહ્યા છે.
ટોચના અધિકારીએ કહ્યું હતું કે બચાવ કામગીરીમાં ૨૭૯ હોડી કાર્યરત છે અને બચાવ અને રાહત કામગીરીને વેગવંતી બનાવવા રામનાથપુરમમાંથી વધુ ૫૦ હોડી આવી રહી છે. નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરો ફૂડ પેકેજ, દૂધ અને પીવાનું પાણી પૂરું પાડે છે. દક્ષિણના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ ફેંકવા આઈએનએસ પરુન્દુ અને સુલુર એર ફોર્સ સ્ટેશનના હેલિકોપ્ટરોને તૈનાત કરાયા છે.
રોડ લિન્ક ફરી સ્થાપવા પ્રધાનો અને હાઈવેના સિનિયર અધિકારીઓ કામ કરી રહ્યા છે. સંખ્યાબંધ વિસ્તારો રોડ-હાઈવે બંધ થઈ જતાં વિખૂટા પડી ગયા છે અને એ વિસ્તારોમાં ફક્ત હોડી વડે પહોંચવાનો મોટો પડકાર છે. અનેક વિસ્તારોમાં પાણીનો પ્રવાહ જોરદાર હોવાથી હોડી પણ વાપરી શકાતી નથી અને આવા સ્થાનો પર હેલિકોપ્ટરની મદદ લેવી પડે છે.
પૂરના પાણી ઓસરી જાય ત્યાર બાદ જ થયેલા નુકસાનની આકરણી કરી શકાશે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા અને સ્ટેટ હાઈવે રોડ નેટવર્ક સ્થાપવાનું પુરજોશમાં શરૂ કરશે.
મીનાએ કહ્યું હતું કે સંદેશવ્યવહારનો પણ પ્રશ્ર્ન છે. દાખલા તરીકે થૂથુકુડી જિલ્લામાં સંદેશવ્યવહાર કપાઈ ગયો છે અને અમે પોલીસ વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. રઝળી પડેલા ટ્રેન પેસેન્જરનો શ્રીવૈકુંઠમમાં સંપર્ક કરવા અમે રેલવેની સંદેશવ્યવહારની નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છીએ. (એજન્સી)