કિશ્તવાડમાં રેસ્કયુ ઓપરેશન દરમિયાન ચમત્કાર! 30 કલાક કાટમાળમાં દટાયા બાદ સુભાષ જીવતો નીકળ્યો

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ગુરુવારે વાદળ ફાટવાને કારણે અચાનક પુર આવ્યું હતું. ઘટનાને કારણે વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે, અહેવાલ મુજબ 60થી વધુ લોકોના મોત નીપજ્યા છે, હજુ ઘણા લાપતા છે, રેસ્ક્યુ ઓપરેશન હાજુ પણ ચાલી રહ્યું છે.
આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક ચમત્કાર જેવી ઘટના બની હતી. કાટમાળમાં લગભગ 30 કલાક સુધી દટાયેલા રહ્યા બાદ એક માણસ જીવતો નીકળ્યો છે.
આપણ વાંચો: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, 130 થી વધુ લોકોને બચાવાયા, અનેક લોકો લાપતા…
અહેવાલ મુજબ માતા માચૈલ યાત્રાના રૂટ પર લંગર ચલાવતા સુભાષ ચંદ્ર કાટમાળમાં દટાઈ ગયો હતો, 30 કલાક બાદ તેને જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. શુક્રવારે, જ્યારે સેના, પોલીસ, NDRF, SDRF લંગર પાસેનો કાટમાળ હટાવી રહ્યા હતા, ત્યારે ચાર મૃતદેહ પણ મળી આવ્યા હતા. પરંતુ એ જ જગ્યાએથી સુભાષ જીવિત હાલતમાં મળી આવ્યો હતો.
રેસ્ક્યુ કરાયા બાદ સુભાષને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાથી વધુ સારવાર માટે તેને કિશ્તવાડ જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેની ઈજાઓ ગંભીર જણાઈ ન હતી, ત્યાર બાદ તેને રજા આપવામાં આવી.
આપણ વાંચો: સિવિલ હોસ્પિટલનો રેસ્ક્યુ ઓપરેશન: ‘ગોલ્ડન અવર્સ’માં સારવારથી DNA મેચિંગ સુધી, જાણો સંપૂર્ણ વિગતો…
સુભાષ ચંદ્ર દર વર્ષે યાત્રાળુઓ માટે લંગરનું આયોજન કરે છે, જેમાં હજારો યાત્રાળુઓ ભોજન લે છે અને અને આરામ કરે છે. રાહત કાર્યનું નિરીક્ષણ કરી રહેલા વિપક્ષી નેતા સુનિલ શર્માએ કહ્યું કે ભગવાન જેનું રક્ષણ કરે છે તેનું કોઈ કઈ બગાડી શકે નહીં. સુભાષ વર્ષોથી નિઃસ્વાર્થપણે ભક્તોની સેવા કરી રહ્યા છે, દેવીએ તેમનું રક્ષણ કર્યું.
કેન્દ્રીય પ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહે જમ્મુમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુભાષના ચમત્કારિક બચાવનો ઉલ્લેખ કર્યો હતો.