ગણતંત્ર દિવસ 2026 પરેડની ફુલ ડ્રેસ રિહર્સલ મફતમાં જોવી છે? આ રીતે બુક કરો તમારો ફ્રી પાસ

નવી દિલ્હી: સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસ 2026ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભારત આ વર્ષે 26 જાન્યુઆરીએ પોતાનો 77મો ગણતંત્ર દિવસની ઉજવણી થવાની છે. દર વર્ષે કર્તવ્યપથ પર યોજાતી ભવ્ય પરેડ દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક છે. શું તમે તમે આ પરેડની ફુલ ડ્રેસ રિહર્સલ મફત જોવા માંગો છો? જો હા, તો તમારા માટે રક્ષા મંત્રાલયે એક જાહેરાત કરી છે. રક્ષા મંત્રાલય દ્વારા કર્તવ્યપથ પર ગણતંત્ર દિવસ 2026 પરેડની ફુલ ડ્રેસ રિહર્સલ માટે મફત પાસ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
તારીખ 15 અને 16 જાન્યુઆરીએ મળશે ફ્રી પાસ
વિગતે વાત કરીએ તો, આ રિહર્સલ જોવા માટે કોઈ ફી નથી. આ પાસ 15 અને 16 જાન્યુઆરી 2026ના રોજ મળશે, જેને www.aamantran.mod.gov.in વેબસાઈટ અથવા ‘આમંત્રણ’ મોબાઈલ એપ દ્વારા મફત બુક કરી શકો છો. આ રિહર્સલ આ મહિનાની 23 જાન્યુઆરીએ યોજાવાની છે. આ વર્ષે ગણતંત્ર દિવસ 2026 પરેડની મુખ્ય થીમ ‘વંદે માતરમ્’ છે. આ થીમ હેઠળ દેશભક્તિ, શૌર્ય અને સાંસ્કૃતિક વૈવિધ્યનું પ્રદર્શન થશે. પરેડમાં સેના, નૌકાદળ, વાયુસેનાના જવાનો, ટેબ્લો અને ફ્લાયપાસનો સમાવેશ થશે.
26 જાન્યુઆરી પરેડ માટે ટિકિટ કેવી રીતે બુક કરશો?
મુખ્ય પરેડ માટે ટિકિટ બુક કરવા માટે પહેલા તમારે aamantran.mod.gov.in પર જવાનું રહેશે. ‘ગણતંત્ર દિવસ પરેડ’ વિકલ્પ પસંદ કરો. અહીં તમારે ID અને મોબાઈલ વેરિફિકેશન કરવાનું રહેશે. તેમાં ટિકિટ નંબર પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ટિકિટની કિંમત સીટ પ્રમાણે બદલાઈ જશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પરેડની ટિકિટ 20 રૂપિયાથી શરૂ થાય છે અને સીટ પ્રમાણે 100 રૂપિયા સુધી રાખવામાં આવી છે.
ટિકિટ સાથે શું પુરાવા રાખવા પડશે?
મુખ્ય પરેડ એટલે કે, જો તમે 26મી જાન્યુઆરીએ પરેડ જોવા જાવ તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ સમયે તમારે ખરીદેલી ટિકિટની સાથે સાથે જ ઓરિજિનલ આઈડી પ્રૂફ આધાર કાર્ડ, પેન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે રાખવું ફરજિયાત છે. આ દરમિયાન તમે તમારા મોબાઈલ ફોન સિવાય કોઈ પણ વસ્તુ સાથે રાખી શકશો નહીં.



