નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, આ દરમિયાન કર્તવ્ય માર્ગ પર યોજાનારી પરેડ (Republic day Parade) સૌના આકર્ષણનું કેન્દ્ર રહેશે. હજારો લોકો આ પરેડ જોવા એકઠા થશે, ઉપરાંત કરોડો લોકો ટીવી, કમ્પ્યુટર અને મોબાઈલ સ્ક્રિન પર પરેડનું લાઈવ પ્રસારણ નિહાળશે. આ પરેડ દરમિયાન ભારતીય વાયુસેના એરક્રાફ્ટ્સ (Indian Airforce flypast) વિવિધ કરતબો બતાવશે. ફ્લાય પાસ્ટ અંગે વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ વખતે કુલ 40 એરક્રાફટ પરેડમાં ભાગ લેશે. સુખોઈ અને રાફેલ જેવા લડાકુ વિમાનો પરેડમાં ભાગ લેશે, પરેડમાં જગુઆર અને મિગ 29 ની પણ ગર્જના સંભળાશે.
આ સ્વદેશી એરક્રાફટ નહીં જોવા મળે
પ્રવક્તા જાણકારી આપી કે સિંગલ એન્જિન હોવાને કારણે, તેજસ વિમાન ફ્લાય પાસ્ટનો ભાગ નહીં હોય . જોકે, તેજસ અગાઉ પ્રજાસત્તાક દિવસના ફ્લાય પાસ્ટમાં ભાગ લઈ ચૂક્યું છે. ભારતમાં નિર્મિત ધ્રુવ હેલિકોપ્ટર પણ ફ્લાય પાસ્ટમાં સામેલ નહીં હોય. આ વર્ષે ફ્લાય પાસ્ટમાં સામેલ થનારા 40 વિમાનોમાં 22 ફાઇટર પ્લેન, 11 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને સાત હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. આ વિમાનો વાયુસેના 10 અલગ-અલગ મથકો પરથી ઉડાન ભરશે.
આટલા ફોર્મેશન જોવા મળશે
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનાર વિમાન કુલ 12 અલગ અલગ ફોર્મેશનમાં ઉડાન ભરશે. વાયુસેનાના ફ્લાય પાસ્ટ દરમિયાન આ પહેલું ફોર્મેશન રાષ્ટ્રીયધ્વજ હશે. આ ઉપરાંત, પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન આકાશમાં વાયુસેનાના ફાઇટર વિમાનો દ્વારા અજય, સતલજ, કટાર, બાઝ, રક્ષક, અર્જુન, વરુણ, નેત્ર અને ભીમ ફોર્મેશન પણ બનાવવામાં આવશે
ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું કે 5 જગુઆર વિમાનો એરો ફોર્મેશન બનાવશે. 6 રાફેલ ફાઇટર પ્લેન દ્વારા વજરંગ ફોર્મેશન બનાવવામાં આવશે. સુખોઈ ફાઇટર પ્લેન ત્રિશૂલ ફોર્મેશન બનાવશે. આખરે રાફેલ ફાઇટર જેટ વર્ટિકલ ચાર્લી કરશે.
આ અધિકારીઓ આગેવાની કરશે
આ વર્ષે ભારતીય વાયુસેનાના માર્ચિંગ ટુકડીમાં ચાર અધિકારીઓ અને 144 એરમેનનો સમાવેશ થાય છે. સ્ક્વોડ્રન લીડર મહેન્દ્ર સિંહ કન્ટીનજન્ટ કમાન્ડર હશે, જ્યારે ફ્લાઇટ લેફ્ટનન્ટ દામિની દેશમુખ, ફ્લાઇટ લેફ્ટનન્ટ નેપો મોઇરંગથેમ, અભિનવ ઘોષ એડીશનલ ઓફિસર હશે. વાયુસેનાની ટુકડી ભારતીય વાયુસેના બેન્ડ દ્વારા વગાડવામાં આવતી ધૂન પર 12 બાય 12 ફોર્મેશનમાં માર્ચ કરશે. રાષ્ટ્રપતિ સ્ટેજ પાર કરશે ત્યારે બેન્ડ ‘સાઉન્ડ બેરિયર’ ગીત વગાડશે.
પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ સમારોહથી શરૂ થાય છે, જેમાં વડાપ્રધાન પુષ્પાંજલિ અર્પણ કરે છે.