નેશનલ

નવું કાશ્મીરઃ પુલવામામાં રચાયો ઈતિહાસ, સ્થાનિકોએ પહેલી વખત ફરકાવ્યો તિરંગો…

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ રદ્દ કરવામાં આવ્યા પછી વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી. જોકે, વધતી ઘૂસણખોરી અને હુમલાઓ વચ્ચે આજે 26મી જાન્યુઆરીના દિવસ નિમિત્તે પુલવામાના ત્રાલ ચોકમાં સ્થાનિકોએ તિરંગો ફરકાવીને કાશ્મીર પણ ભારતનું અભિન્ન અંગ હોવાનો લોકોએ પરિચય કરાવ્યો છે.

ભારતના 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે આજે કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ ચોકમાં નવા ઇતિહાસનું નિર્માણ થયું. ત્રાલ ચોકમાં પહેલી વખત તિરંગાને ફરકાવવામાં આવ્યો હતો. તિરંગાને ફરકાવવામાં આવ્યો ત્યારે સિનિયર સિટિઝન, યુવાનો અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તિરંગાને ફરકાવતતા હજારો લોકો સાથે જોવા મળતા કાશ્મીરની એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની વિશ્વસનીયતાનો પરિચય કરાવ્યો છે.

હજારો લોકો રહ્યા ઉપસ્થિત
અહીંના કાર્યક્રમમાં એક હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોટા ભાગના યુવાનોનો સમાવેશ થયો હતો. સમગ્ર શહેરમાં ભારત માતા કી જયના નારા અને દેશભક્તિના ગીતો ગૂંજી ઊઠ્યા હતા. ત્રાલ માટે પણ એક નવા ઇતિહાસનું નિર્માણ કર્યું હતું, કારણ કે અહીં સૌથી વધુ અશાંતિ અને હિંસાનો માહોલ જોવા મળતો હોય છે ત્યારે તિરંગાને ફરકાવીને દેશ માટે એકતાની મિશાલ ઊભી કરી છે.

આ પણ વાંચો : યુપીમાં રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન: PoK વિના જમ્મુ કાશ્મીર છે અધૂરું

કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી
રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનો દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા સ્થાનિક લોકોની સાથે સુરક્ષા દળોના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા તિરંગો લહેરાવવાની બાબત કાશ્મીરમાં પરિવર્તન અને વિકાસનો નિર્દેશ કરે છે.

મોટી સંખ્યામાં યુવાનો રહ્યા હાજર
ત્રાલના ચૌકમાં ઉપસ્થિત રહેલા લોકોમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. બરફ આચ્છાદિત પહાડોની વચ્ચે લોકોએ ગૌરવપૂર્વક તિરંગો લહેરાવવાને કારણે લોકો કાશ્મીરમાં શાંતિ, પ્રગતિ ઈચ્છે છે તેમ જ ભારતીય બંધારણ માટે વિશ્વાસ ધરાવતા હોવાનું પુરવાર થયું છે. ગણતંત્ર દિવસે ત્રાલ એકતા અને આશાનું કિરણરુપે નવા કાશ્મીરના નિર્માણનો નિર્દેશ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button