પ્રજાસત્તાક દિવસ 2026: યુરોપિયન યુનિયનના નેતાઓ બનશે મુખ્ય મહેમાન, ફ્રી ટ્રેડ કરાર પર લાગી શકે છે મહોર

શિખર મંત્રણા દરમિયાન ભારત-યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ કરાર થવાની શક્યતા
નવી દિલ્હી: ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેયન હાજરી આપશે અને વોશિંગ્ટનની વેપાર અને ટેરિફ નીતિઓ અંગે વધતી ચિંતાઓ વચ્ચે બંને પક્ષ ૨૭ જાન્યુઆરીએ બહુપ્રતિક્ષિત ફ્રી ટ્રેડ કરાર પર મહોર મારવા માટે તૈયાર છે.
યુરોપિયન યુનિયન (ઇયુ) અને ભારત ૨૫ જાન્યુઆરીથી શરૂ થનારી કોસ્ટા અને વોન ડેર લેયનની નવી દિલ્હીની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન વ્યાપક વૈશ્વિક એજન્ડા બનાવવા પર વિચાર કરે તેવી અપેક્ષા છે.
યુરોપિયન યુનિયન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં માલસામાનમાં દ્વિપક્ષીય વેપાર ૧૩૫ અબજ ડોલરનો રેકોર્ડ છે. ફ્રી ટ્રેડ કરારથી વ્યાપારિક સંબંધોમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.
વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ, એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાનો તરીકે ૨૫-૨૭ જાન્યુઆરી દરમિયાન ભારતની રાષ્ટ્રીય મુલાકાતે આવશે.
તેમાં કહેવામાં આવ્યું છે કે નેતાઓ ૨૭ જાન્યુઆરીએ ૧૬મા ભારત-ઇયુ સમિટનું સહ-અધ્યક્ષતાપદ પણ કરશે. દર વર્ષે, ભારત તેના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે વિશ્વના નેતાઓને આમંત્રણ આપે છે.
ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું કે વોશિંગ્ટનની ટેરિફ નીતિને ધ્યાનમાં રાખીને વિશ્વ વેપાર વિક્ષેપો જોઈ રહ્યું છે તેવા સમયે, પ્રસ્તાવિત કરાર વિવિધ ક્ષેત્રોમાં એકંદર દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ગુણાત્મક પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે.
આ ઉપરાંત, બંને પક્ષ સમિટમાં સંરક્ષણ માળખા કરાર અને વ્યૂહાત્મક એજન્ડાનું અનાવરણ કરે તેવી શક્યતા છે. ભારત અને યુરોપિયન યુનિયન ૨૦૦૪ થી વ્યૂહાત્મક ભાગીદારો છે. 15મી ભારત-ઇયુ સમિટ જુલાઈ, ૨૦૨૦માં વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી.



