PayTMનો ઉપયોગ કરનારા માટે રાહતના સમાચાર: આ ચાર બૅંકો સાથે થયા કરાર…

નવી દિલ્હી: પેટીએમ દ્વારા સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા(એસબીઆઇ) સહિત ચાર બૅંક સાથે કરાર કરવામાં આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા(એનપીસીઆઇ) દ્વારા મલ્ટી બૅંક મોડેલ અંતર્ગત થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઇડર(ટીપીએપી)ના રૂપમાં યુપીઆઇમાં ભાગ લેવા માટે વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડને મંજૂરી આપી દેવામાં આવી છે, જેમાં એસબીઆઇ સહિત ચાર બૅંકોનો સમાવેશ થાય છે. એટલે કે હવે યુઝર્સ અને વેપારીઓ કોઇ અડચણ વિના ટ્રાન્ઝેક્શન કરી શકશે.
આ ચાર બૅંકોમાં એચડીએફસી, યેસ બૅંક, એસબીઆઇ અને એક્સિસ બૅંકનો સમાવેશ થાય છે. આ બૅંકો ઓસીએલ માટે પીએસપી બૅંકના રૂપમાં કાર્ય કરશે.
સરળ ભાષામાં સમજીએ તો યુપીઆઇની સુવિધા થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઇડર(ટીપીએપી)ના માધ્યમે પૂરી પાડવામાં આવતી હોય છે. જ્યારે એનપીસીઆઇ દ્વારા આ સેવાનું સંચાલન કરવામાં આવે છે. જેની મંજૂરી વિના કોઇપણ ટીપીએપીની સુવિધા આપી શકે નહીં. ટીપીએપી યુપીઆઇ સુવિધા પૂરી પાડવા માટે પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર અને બૅંકોની સાથે કામ કરે છે. ફોન પે, પેટીએમ, ગુગલ પે જેવી એપ્લિકેશન્સને યુપીઆઇની સુવિધા માટે એનપીઆઇની મંજૂરી તેમ જ પીએસપી બૅંકોની જરૂર હોય છે.