PF ધારકો માટે સારા સમાચાર! હવે ગમે ત્યારે ઉપાડી શકાશે પૂરા પૈસા.

કેન્દ્ર સરકાર એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના સભ્યો માટે મોટી રાહતની યોજના લાવવાની તૈયારી કરી રહ્યું છે, જે લોકોની નાણાકીય સ્વતંત્રતામાં વધારો કરશે. આવનારા દિવસોમાં સભ્યો તેમના ઈપીએફ ખાતામા જમા રકમને કોઈપણ સમયે સંપૂર્ણ રીતે ઉપાડી શકશે. આ નવો નિર્ણય ખાસ કરીને મધ્યમ આવક ધરાવતા લોકો માટે નાણાકીય મુશ્કેલીઓ સામનો કરવા માટે મદદરૂપ થશે.
ઈપીએફઓના નિયમોમાં ફેરફાર
ઈપીએફઓના બે અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, સંસ્થા ઘર ખરીદી, લગ્ન અને શિક્ષણ જેવી જરૂરિયાતો માટે ઉપાડની મર્યાદામાં રાહત આપવાનું વિચારી રહી છે. સરકાર આગામી એક વર્ષમાં આ ફેરફારો લાગુ કરવાની યોજના ધરાવે છે. અધિકારી પ્રમાણે EPFના સભ્યોને પોતાના નાણાનો ઉપયોગ કોઈ પણ સમયે કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. હાલના નિયમોમાં સભ્યો 58 વર્ષની નિવૃત્તિની ઉંમરે અથવા બે મહિનાથી વધુ સમય સુધી બેરોજગાર હોય ત્યારે જ સંપૂર્ણ રકમ ઉપાડી શકે છે.
વર્તમાન નિયમોમાં EPFO માંથી નાણા ઉપાડવા માટે ઘણા પ્રતિબંધો છે. ઉદાહરણ તરીકે, ભાઈ-બહેન કે સંતાનના લગ્ન માટે 50 ટકા રકમ ઉપાડવા માટે કર્મચારીને કંપનીમાં ઓછામાં ઓછી સાત વર્ષની સેવા આપેલી હોવી ખાસ જરૂરી છે. જ્યારે ઘર ખરીદવા કે બનાવવા માટે 90 ટકા સુધીની રકમ ઉપાડી શકાય છે, પરંતુ મિલકત સભ્ય, તેમના જીવનસાથી કે સંયુક્ત માલિકીમાં હોવી જોઈએ અને ઓછામાં ઓછી કંપનીમાં ત્રણ વર્ષની સેવા જરૂરી છે. બાળકોના મેટ્રિક પછીના શિક્ષણ માટે 50 ટકા રકમ ઉપાડવા માટે પણ સાત વર્ષની સેવા જરૂરી છે.
નવા નિયમોની જરૂરિયાત
નિષ્ણાતોનું માનવું છે કે EPFOના ઉપાડની મર્યાદામાં રાહત અને પાત્રતાના નિયમોને સરળ બનાવવાથી, ખાસ કરીને મધ્યમ આવક ધરાવતા લોકોને નાણાકીય બોજ વિના તેમની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. હાલના નિયમોમાં ન્યૂનતમ સેવા અવધિ, ઉપાડની મર્યાદા અને વધુ પડતા દસ્તાવેજોની શરતો સભ્યો માટે અડચણરૂપ છે. નિષ્ણાતોના મતે, નવા ફેરફારો દ્વારા સભ્યોને જરૂરિયાત મુજબ નાણા ઉપાડવાની સુગમતા આપવી જોઈએ, પરંતુ નિવૃત્તિની સુરક્ષાના મૂળ હેતુને પણ જાળવી રાખવો જોઈએ.
અધિકારીઓએ જણાવ્યું કે, દર 10 વર્ષે સભ્યોને તેમની બચતની રકમનો એક ભાગ અથવા સંપૂર્ણ રકમ ઉપાડવાની મંજૂરી આપવાનું વિચાર કરવામાં આવી રહ્યો છે. જેનાથી સભ્યો પોતાની નાણાકીય જરૂરિયાતો પ્રમાણે નિર્ણય લઈ શકશે. જોકે, આ ફેરફારોની વિગતો અને ચોક્કસ સમયરેખા હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ આ યોજના ઈપીએફઓના સભ્યો માટે નાણાકીય સ્વાયત્તતા અને સુગમતા લાવવાનો પ્રયાસ છે.
આપણ વાંચો: કમાણીના મામલે અવ્વલ શહેર કયું? મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ તો નથી જ