
મુંબઈ: વેપારના દરેક ક્ષેત્રમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું રોકાણ જોવા મળે છે. હવે AIમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના ડગ ભર્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક. (Meta) વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે એક મોટું સંયુક્ત સાહસ (Joint Venture) સ્થાપિત થવા જઈ રહ્યું છે. મેટાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ફેસબુક ઓવરસીઝ ઇન્ક., રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સ લિમિટેડ (REIL)માં 30 ટકા હિસ્સો હસ્તગત કરશે.
RIL અને Metaએ કર્યું 855 કરોડનું રોકાણ
રિલાયન્સ ઇન્ટેલિજન્સ લિમિટેડ દ્વારા 24 ઓક્ટોબર, 2025 ના રોજ ભારતમાં રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સ લિમિટેડ (REIL)ની રચના કરવામાં આવી છે. REILનો ઉદ્દેશ્ય AI સેવાઓનો વિકાસ, માર્કેટિંગ અને વિતરણ કરવાનો છે. રિલાયન્સ ઇન્ટેલિજન્સ અને ફેસબુકે સંયુક્ત રીતે આ નવા સાહસમાં રૂ. 855 કરોડનું રોકાણ કર્યું છે.
RIL એ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે, REILમાં રિલાયન્સ ઇન્ટેલિજન્સ લિમિટેડ 70 ટકા હિસ્સો ધરાવશે, જ્યારે ફેસબુક બાકીનો 30 ટકા હિસ્સો ધરાવશે.
રિલાયન્સના ક્વાર્ટર-2ના પરિણામો
REILની રચનાની જાહેરાત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર થયા બાદ આવી છે. FY25-26ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નફામાં 9.6 ટકાનો વધારો થયો છે. બીજા ક્વાર્ટરના આંકડાઓ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને રૂ. 18,165 કરોડનો ચોખ્ખો નફો થયો છે.
ઉલ્લેખનીય છે કે, રિટેલ અને ટેલિકોમ વ્યવસાયોમાં મજબૂત પ્રદર્શન તેમજ ઓઇલ-ટુ-કેમિકલ્સ (O2C) સેગમેન્ટમાં સુધારાને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે. જોકે, વર્તમાન સ્ટોક સ્તરે વધેલા નુકસાનને કારણે, કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો ત્રિમાસિક ધોરણે 33 ટકા ઘટીને રૂ. 18,165 કરોડ થયો હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં આ આંકડો રૂ. 26,994 કરોડ હતો.
આ પણ વાંચો…2030 સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને બમણી કરવાનો મુકેશ અંબાણીનો પ્લાન, રોકાણકારોને થશે ફાયદો



