અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપને મોટો ઝટકો: EDએ રિલાયન્સ પાવરના CFO અશોક કુમાર પાલની કરી ધરપકડ

દિલ્હી/મુંબઈ: છેલ્લા ચાર મહિનાથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અનિલ અંબાણી પર નજર રાખીને બેઠી છે. જુલાઈ 2025માં EDએ અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ પર દરોડા પણ પાડ્યા હતા. તાજેતરમાં પણ રિલાયન્સ ઇન્ફ્રાના ઇન્દોર અને મુંબઈ ખાતેના છ સ્થળ પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે EDએ અનિલ અંબાણીની મુશ્કેલી વધારી દીધી છે. EDએ રિલાયન્સ પાવરના CFOની ધરપકડ કરી છે.
CFO અશોક કુમાર પાલ પર છેતરપિંડીનો આરોપ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બેંક છેતરપિંડીના એક મોટા કેસના સંબંધમાં અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ રિલાયન્સ પાવરના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) અશોક કુમાર પાલની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરી છે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સ પાવરની દિલ્હી ખાતેની ઓફિસમાં લાંબી પૂછપરછ બાદ શુક્રવારે અશોક કુમાર પાલની ધરપકડ કરવામાં આવી છે. ED અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાના બેંક છેતરપિંડીના કેસોની તપાસ કરી રહી છે.
અશોક કુમાર પાલ પર જાહેર ક્ષેત્રના ઉપક્રમ (PSU) SECI (સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) ને રૂ. 68 કરોડથી વધુની છેતરપિંડીભરી બેંક ગેરંટી સબમિટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. તેમણે RPL (રિલાયન્સ પાવર લિમિટેડ) ની નાણાકીય ક્ષમતાઓનો ઉપયોગ કરીને SECI BESS (બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ) ટેન્ડર સંબંધિત તમામ દસ્તાવેજોને અંતિમ સ્વરૂપ આપવા માટે તેઓ અધિકૃત હતા. EDનો આરોપ છે કે અશોક કુમાર પાલે આ છેતરપિંડીભરી બેંક ગેરંટી યોજનાનું આયોજન, દેખરેખ અને ધિરાણ તેમજ છુપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ફર્સ્ટરેન્ડ બેંકની ફિલિપાઇન્સમાં કોઈ શાખા નથી
EDની તપાસમાં સામે આવ્યું છે કે પાલે કપટપૂર્ણ બેંક ગેરંટી પૂરી પાડવા માટે બિસ્વાલ ટ્રેડલિંક પ્રાઇવેટ લિમિટેડ (BTPL) નામની એક નાની એન્ટિટીની પસંદગી કરી હતી, જે એક જ રહેણાંક સરનામેથી કાર્યરત હતી અને તેનો કોઈ વિશ્વસનીય બેંક ગેરંટી રેકોર્ડ નહોતો. BTPLના ડિરેક્ટર પાર્થ સારથી બિસ્વાલની અગાઉથી જ જ્યુડિશયલ કસ્ટડીમાં છે. આ ઉપરાંત, અશોક કુમાર પાલે કરોડો રૂપિયાના છેતરપિંડીવાળા ટ્રાન્સપોર્ટેશન ઇન્વોઇસ દ્વારા ભંડોળ લોન્ડરિંગ કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું EDનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે, છેતરપિંડીની ગંભીરતા એ હકીકત પરથી જાણી શકાય છે કે રિલાયન્સ પાવર ગ્રુપે ફર્સ્ટરેન્ડ બેંક, મનીલા, ફિલિપાઇન્સ તરફથી બેંક ગેરંટી સબમિટ કરી હતી. જ્યારે સત્ય એ છે કે ફર્સ્ટરેન્ડ બેંકની ફિલિપાઇન્સમાં કોઈ શાખા અસ્તિત્વમાં નથી.
આ પણ વાંચો…અનિલ અંબાણીની મુશ્કેલી વધીઃ રિલાયન્સ ઇન્ફ્રા પર ઈડીની કાર્યવાહી, 6 સ્થળે દરોડા