અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ પર EDના દરોડા, મુંબઈ દિલ્હીમાં કાર્યવાહી | મુંબઈ સમાચાર

અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ પર EDના દરોડા, મુંબઈ દિલ્હીમાં કાર્યવાહી

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ જૂથના ચેરમેન અનિલ અંબાણી સાથે જોડાયેલા દિલ્હી અને મુંબઈના સ્થળો પર મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધાયેલી બે FIRના આધારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓનો આરોપ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે EDએ દિલ્હી અને મુંબઈમાં લગભગ 35 સ્થળો પર તપાસ હાથ ધરી છે, જેમાં 50થી વધુ કંપનીઓના રેકોર્ડ તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, 25થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ તપાસ રિલાયન્સના ચેરમેન અનિલ અંબાણીની RAAGA કંપનીઓમાં કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે 2017થી 2019 દરમિયાન આ કંપનીને યસ બેંક દ્વારા લગભગ 3,000 કરોડ રૂપિયાની અસુરક્ષિત લોન આપવામાં આવી હતી. EDનો આરોપ છે કે આ લોનની સામે યસ બેંકના પ્રમોટરોને ગેરકાયદેસર ચૂકવણીઓ કરવામાં આવી હતી.

આ તપાસમાં EDને કંપનીમાં અનેક ગેરરીતિ થતી હોવાનું જાણવા મળ્યું છે. જેમ કે, નબળી નાણાકીય સ્થિતિ ધરાવતી કંપનીઓને લોન આપવી, એક જ ડિરેક્ટર અને સરનામા ધરાવતી કંપનીઓનો ઉપયોગ, લોનના દસ્તાવેજોનો અભાવ, શેલ કંપનીઓમાં નાણાનું ટ્રાન્સફર અને ‘લોન એવરગ્રીનિંગ’ના કેસ સામેલ છે, જ્યાં જૂની લોન ચૂકવવા માટે નવી લોન આપવામાં આવી હતી. આ ઉપરાંત, યસ બેંકના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રમોટરો પર લાંચ લઈને આ લોનને મંજૂરી આપવાનો આરોપ લાગાવવામાં આવ્યો છે.

નેશનલ હાઉસિંગ બેંક (NHB), સેબી, નેશનલ ફાઈનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA) અને બેંક ઓફ બરોડાએ EDને તેમના તારણો સોંપ્યા છે. સેબીના રિપોર્ટમાં રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ (RHFL)માં ગંભીર ગેરરીતિઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, RHFLનું કોર્પોરેટ લોન પોર્ટફોલિયો 2017-18માં 3,742 કરોડ રૂપિયાથી વધીને 2018-19માં 8,670 કરોડ રૂપિયા થયો હતો, જે નાણાકીય ગેરવ્યવસ્થાનો સંકેત આપે છે.

આ તપાસમાં રિલાયન્સ જૂથની કંપનીઓ અને યસ બેંકના પ્રમોટરો વચ્ચેના નાણાકીય સંબંધોની ઊંડાણપૂર્વકની ચકાસણી કરવામાં આવી છે. EDની આ કાર્યવાહીથી નાણાકીય સંસ્થાઓમાં પારદર્શિતા અને જવાબદારીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આગળ જતાં, આ કેસમાં વધુ ખુલાસા અને કાનૂની કાર્યવાહીની અપેક્ષા છે, જે અનિલ અંબાણી અને રિલાયન્સ જૂથની વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર અસર કરી શકે છે.

આ પણ વાંચો…ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ માટે ચિંતાઃ સંસદમાં નાણા પ્રધાને આપી માહિતી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button