
ભારત દેશની વાત કરીએ ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી સુધી, તેમ આપણે શાનથી બોલીએ છીએ. આ દેશને આ રીતે એક તાંતણે જોડવાનું સૌથી વધુ શ્રેય જેમને જાય છે તે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતી છે. એકતા દિવસ તરીકે આ દિવસ આપણે મનાવીએ છીએ અને દેશના ઐક્ય માટે પ્રણ લઈએ છીએ.
આજના દિવસે સરદારને યાદ કરીએ તો સાથે સાથે પંડિત જવાહરલાલ નહેરુ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ યાદ આવે છે. તેમની ત્રિપુટીએ ગુલામ ભારત અને સ્વતંત્ર ભારત બન્નેના ઈતિહાસમાં સર્વોપરી સ્થાન પ્રાપ્ત કર્યું છે.
મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સંબંધો વિશે ઘણી વાતો થાય છે, પરંતુ અહેવાલો અને ઈતિહાસકારો અનુસાર ખરું તો એ છે કે બન્ને વચ્ચે સ્નેહનો અતૂટ નાતો હતો અને એકબીજાની કાળજી રાખતા હતા. આથી ગાંધીજીની 1948ની આમરણ ઉપવાસની જીદે સરદારને વ્યથિત કરી નાખ્યા હતા.
1948માં ભારત પર એક મોટો ઘાવ પડી ચૂક્યો હતો અને તે છે પાર્ટિશન. ભારત-પાકિસ્તાનના ભાગલાએ દેશની આઝાદી માટે અથાગ સંઘર્ષ કરનારા સૌને દુઃખી કર્યા હતા. તેવામાં પાકિસ્તાનને નાણા દેવાની વાતનો સરદારનો વિરોધ હતો. દેશમાં હિંસક માહોલ ઊભો થયો હતો અને અહીંસાના પૂજારી મહાત્મા માટે આ અસહ્ય સ્થિતિ હતી. આ સમય દરમિયાન ગાંધીજીની તબિયત પણ ઢીલી રહેતી હતી અને તેમને અશક્તિ વર્તાતી હતી. તેમ છતાં તેમણે 13 જાન્યુઆરી, 1948ના રોજ અનશ્ચિતકાળ માટે ઉપવાસ કરવાની જાહેરાત કરી દીધી. ગાંધીજીની આ જાહેરાતે સૌને ચિંતિત કર્યા, પટેલને ચિંતા સાથે નારાજગી પણ રહી, તેમ અમુક અહેવાલ જણાવે છે.
સરદાર તે સમયે નારાજ તો હતા જ. તેમના અને ગાંધીજી વચ્ચે અમુક મામલે મતભેદ હતા, પંરતુ મનભેદ ક્યારેય નહીં, બન્ને એકબીજાને સમજતા અને ખૂબ જ મિત્રભાવ હતો. આથી ગાંધીજીએ જ્યારે ઉપવાસની વાત કરી ત્યારે પટેલે વ્યથિત થઈને કહ્યું હતું કે પહેલા હું આ મહાત્માનો દમ તો જોઈ લઉં. ગાંધીજીની દ્રઢ નિશ્ચિયી શક્તિનો પરચો તો બધાને વારંવાર મળી જ ગયો હતો, પંરતુ તેમની શારીરિક કમજોરી અને અસ્વસ્થતા જોઈ સરદાર ભારે ચિંતામાં હતા અને તેથી તેમણે આમ કહ્યું હતું. ઘણીવાર ઈતિહાસને અલગ રીતે રજૂ કરવામાં આવતો હોય છે.
ગાંધીજી અને સરદાર ઘણી બાબતે એકબીજાથી અસહમત હતા, તેમ ઈતિહાસકારો કહે છે, પરંતુ પ્રેમભાવ અને સન્માન સદૈવ એકસરખા જ રહ્યા. આજે સરદારનો જન્મદિવસ છે ત્યારે આપણે પણ આ વાત ચોક્કસ શિખીએ કે પરિવાર હોય કે કામનું સ્થળ હોય, મતભેદ ભલે થાય, પણ મનભેદ ક્યારેય ન રાખીએ.
 
 
 
 


