કેજરીવાલના પેટ પ્રોજેક્ટ મહોલ્લા ક્લિનિકનું રેખા સરકારે કરી નાખ્યું ઑપરેશનઃ જાણો કારણ

નવી દિલ્હીઃ દિલ્હી પર દસ વર્ષ શાસન કરનારા આમ આદમી પક્ષના સ્થાપક અરવિંદ કેજરીવાલની મહત્વાકાંક્ષી યોજના મહોલ્લા ક્લિનિકને રદ કરવાની જાહેરાત રેખા સરકારે કરી છે. આ યોજના ગરીબોને મફતમાં સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે હતી અને કેજરીવાલે આની ખૂબ જાહેરાતો કરી પોતાની સરકારની પીઠ થપથપાવી હતી. આ યોજના અમલમાં હોવાથી તેમણે કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના પણ દિલ્હીમાં અમલમાં મૂકી ન હતી. હવે ભાજપ સરકારે મહોલ્લાનો માહોલ જ બદલી નાખ્યો છે.
દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે. આમ આદમી પક્ષના દસ વર્ષના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની જાહેરાતો પણ તેઓ કરે છે, ત્યારે આ પ્રોજેક્ટ બંધ કરવા પણ આવું જ કંઈક કારણ આગળ ધર્યું છે.
આ પણ વાંચો…ઊંઘ ન આવે તો કોઈ 18 ટેબલેટ લે? સિંગર કલ્પનાનો જવાબ ગળે ઉતરે નહીં તેવો
આ કારણે બંધ કર્યો પ્રોજેક્ટ
દિલ્હી સરકારના આ નિર્ણય વિશે સ્વાસ્થ્ય પ્રધાન પંકજ સિંહે જણાવ્યું હતું કે આ યોજના અમે પડતી મૂકવાનો નિર્ણય કર્યો છે કારણ મોટા ભાગની ક્લિનિક તો માત્ર કાગળ પર જ છે. આ સાથે જે ક્લિનિક્સ ચાલે છે તે તમામ ભાડાની જગ્યા પર છે અને આ ભાડું આપવામાં ભારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.
તેમણે કેજરીવાલ સરકારના ફ્રોડનો અડ્ડો આ યોજના હોવાનું જણાવ્યું હતું, આથી તત્કાલ અસરથી લગભગ 250 મહોલ્લા ક્લિનિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે સિંહે એમ પણ જણાવ્યું કે દિલ્હી સરકાર આવતીકાલથી આયુષ્યમાન ભારત યોજના અમલમાં લાવશે અને ફોર્મ ભરવાનું શરૂ કરશે.