લાલ કિલ્લા બ્લાસ્ટ: ડૉ. શાહીનનું પાકિસ્તાન કનેક્શન અને જૈશ-એ-મોહમ્મદ સાથેના હવાલાનું રહસ્ય જાણો

‘મેડમ એક્સ’ અને ‘મેડમ ઝેડ’ એટલે કોણ, બંને વ્યક્તિ શંકાના દાયરામાં…
નવી દિલ્હી: ફરિદાબાદ આતંકી મોડ્યુલ અને દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ મામલાની તપાસમાં સેંટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને ઉત્તર પ્રદેશ એટીએસ આગળ વધી રહ્યા છે તેમ તેમ એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ડૉ. શાહીન ભારતમાં આતંકી મોડ્યુલને વિકસાવવાના અને લાલ કિલ્લા બ્લાસ્ટના બનાવની માસ્ટરમાઇન્ડ છે.
છેલ્લા દિવસોમાં યુપી એટીએસએ 24થી પણ વધુ લોકોની પૂછપરછ કરી હતી, જાણવા મળી રહ્યું છે કે અનેક શંકાસ્પદ હાલ યુપી એટીએસની કસ્ટડીમાં છે. હાલ ડૉ. શાહીન અને તેના ભાઈ પરવેઝ અંગે માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
શાહીન માર્ચ 2022માં તુર્કીયે ગઈ હતી
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) દ્વારા ડો. શાહીનને હવાલા મારફતે ₹ 20 લાખ મોકલવામાં આવ્યા હતા. તપાસ એજન્સી હાલમાં આ હવાલા નેટવર્કના મુખ્ય સૂત્રધારોને પકડવાના પ્રયાસો કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે ડો. શાહીન ત્રણ વખત પાકિસ્તાન ગઈ હતી.
ઉપરાંત, માર્ચ 2022માં તુર્કીયે ગઈ હતી, જ્યાં તેણે કથિત રીતે આતંકી આકાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ જ તેને ભારતમાં હવાલા દ્વારા આ રકમ મળી હતી. આ ભંડોળનો ઉપયોગ ઉત્તર પ્રદેશના હાપુડ અને સહારનપુરમાં આતંકી તાલીમ કેન્દ્રો અને સેફ હાઉસ ખોલવા માટે કરવાનો હતો.
આક્ષેપોની સત્યતાની ખરાઈ કરવાનું મુશ્કેલ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડો. શાહીને ઘણી વખત વિદેશ પ્રવાસો કર્યા હતા, જેમાં ચોંકાવનારી રીતે ત્રણ વખત પાકિસ્તાન જવાની સાથે થાઈલેન્ડ અને તુર્કીયેનો પણ પ્રવાસ કર્યો હતો. તે સતત પોતાનો પાસપોર્ટ અપડેટ કરાવી રહી હતી, જેમાં છેલ્લું સરનામું તેના ભાઈ ડો. પરવેઝની લખનઉની ઈન્ટિગ્રલ યુનિવર્સિટીનું હતું. ડો. શાહીનનો સ્વભાવ શાંત અને ઓછું બોલવાનો હોવાથી, તેના સંપર્કમાં રહેલા લોકો માટે તેના પર લાગેલા ગંભીર આક્ષેપોની સત્યતાની ખરાઈ કરવી મુશ્કેલ બની ગઈ છે.
ખાતાઓમાં કુલ 1.55 કરોડનું મોટું ટ્રાન્ઝેક્શન
ડો. શાહીનના નાણાકીય વ્યવહારો પર ઊંડો અભ્યાસ કરતાં જાણવા મળ્યું છે કે તેના કુલ 7 બેંક ખાતા હતા – ત્રણ કાનપુરમાં અને બે લખનૌમાં. આ તમામ સાત ખાતાઓમાં કુલ ₹1.55 કરોડનું મોટું ટ્રાન્ઝેક્શન થયું હતું. આટલા મોટા આર્થિક વ્યવહારોને ધ્યાનમાં રાખીને તપાસ એજન્સીઓ હવે તે તમામ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેમની સાથે ડો. શાહીને બેંકિંગ વ્યવહારો કર્યા હતા.
શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલુ રહેશે
છેલ્લા બે દિવસમાં ઉત્તર પ્રદેશ એટીએસની ટીમે 24થી વધુ લોકોની પૂછપરછ કરી છે, જેમાંથી ઘણા હજી પણ એટીએસની કસ્ટડીમાં છે. ડો. શાહીન અને કાનપુરથી પકડાયેલા ડો. આરિફના લગભગ 12 જેટલા સ્થાનિક ઠેકાણાઓની માહિતી એજન્સીને મળી છે, અને લખનઉ, કાનપુર અને યુપીના અન્ય જિલ્લાઓમાં વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલુ રહેશે.
‘મેડમ સર્જન’નો કોડવર્ડ નામ આપ્યું હતું
ડો. શાહીન ફતેહપુર આતંકી મોડ્યુલની કેટલી મહત્વની સદસ્ય હતી, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આતંકી આકાઓએ તેને ‘મેડમ સર્જન’નું કોડવર્ડ નામ આપ્યું હતું. તેના ચેટ બોક્સમાંથી આ માહિતી સામે આવી છે. તે જ અન્ય આરોપી ડોક્ટરો સાથે સંપર્કમાં રહેતી હતી. ઉપરાંત, તપાસ એજન્સીને મળેલા ઈન્પુટ અનુસાર શાહીન ઉર્ફે મેડમ સર્જનને બે નંબર પરથી મેસેજ મળતા હતા, જે મેડમ એક્સ અને મેડમ ઝેડના નામથી સેવ કરવામાં આવ્યા હતા. આ બંને નંબરની પણ પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો…દિલ્હી બ્લાસ્ટ કેસ: NIAએ પૂછપરછ બાદ 3 ડોક્ટર સહિત 4 ને છોડી મુક્યા, જાણો કારણ



