મહાકુંભ ઉપરાંત કાશીમાં પણ રેકોર્ડ તૂટ્યા; 20 દિવસમાં આટલા લોકોએ બાબા વિશ્વનાથના દર્શન કર્યા
વારાણસી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી (Maha Kumbh in Prayagraj) રહ્યા છે. કુંભ મેળાને કારણે ઉત્તર પ્રદેશના અન્ય સ્થળોએ પણ પ્રવાસીઓનો ધસારો અભૂતપૂર્વ રીતે વધ્યો છે. અહેવાલ મુજબ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર(Kashi Vishwanath Temple) માં શ્રધાળુઓની સંખ્યાના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. માત્ર વીસ દિવસમાં એક કરોડથી વધુ ભક્તોએ બાબા વિશ્વનાથના દરબારમાં દર્શન કરીને ધન્યતા અનુભવી છે.
પોષ પૂર્ણિમાના દિવસે પ્રયાગરાજના કુંભમેળામાં આવેલા શ્રદ્ધાળુઓ વારાણસી તરફ વળ્યા હતાં, જેના કારણે વિશ્વનાથ મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી. શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પ્રબંધકે માહિતી આપતા કહ્યું કે કે જાન્યુઆરી મહિનામાં એક કરોડથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી.
એક અઠવાડિયામાં અડધો કરોડ શ્રદ્ધાળુઓ:
અહેવાલ મુજબ મૌની અમાસના એક દિવસ પહેલા, મંદિરમાં ભારે ભીડ ઉમટવા લાગી હતી. 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન ભક્તોની સંખ્યા સૌથી વધુ રહી. માત્ર એક અઠવાડિયામાં 50 લાખ ભક્તોએ દર્શન કર્યા. આજે વસંત પંચમીના દિવસે પણ ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે.
આજે પણ તુટશે રેકોર્ડ:
વહીવટીતંત્રનો અંદાજ છે કે રવિવારે વસંત પંચમીના અવસર પર 40 લાખ ભક્તો બાબા વિશ્વનાથના દર્શન કરવા આવી શકે છે. મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજથી વારાણસી તરફ આવી રહ્યા છે, જેના માટે તૈયારી કરવામાં આવી છે.
આ પણ વાંચો : મહાકુંભને લઈ ગુજરાત સરકારે વધુ 5 વૉલ્વો બસ શરૂ કરી, આજે સાંજથી કરી શકાશે બુકિંગ…
વહીવટીતંત્ર અલર્ટ પર:
અહેવાલ મુજબ મહાકુંભ વિસ્તારમાં થયેલી નાસભાગની ઘટનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર રૂટ ડાયવર્ઝન અને ક્રાઉડ મેનેજમેન્ટ પર વિશેષ ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ગંગામાં બોટિંગ સંબંધિત નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે. પેડલ બોટના સંચાલન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે મોટી બોટમાં માત્ર નિશ્ચિત સંખ્યામાં શ્રદ્ધાળુઓને જ બેસવાની મંજૂરી આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.
સાંજે સૂર્યાસ્ત પછી નદીઓમાં બોટ્સ નહિ ચાલે અને કોઈ પણ નાવિક કોઈપણ મુસાફરને લાઈફ જેકેટ વિના બોટમાં નહીં બેસાડે.
વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ગંગા ઘાટ પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે.